અમદાવાદમાં ડેંગ્યુનો આતંકઃ દ. ઝોનમાં સાત એકમો સીલ
અમદાવાદ: મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા ઉપર અંકુશ મુકવા તથા ડેંગ્યુના આતંકને ધ્યાનમાં લઇને એએમસી દ્વારા જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો જારદારરીતે સક્રિય થયેલી છે.
શહેરના જુદા જુદા વિસ્તારમાં રોગચાળાને રોકવા માટે ફોગિંગની પ્રક્રિયા પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મચ્છરજન્ય રોગચાળા માટે સંવેદનશીલ રહેલા વિસ્તારોમાં વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મચ્છરોના ફેલાવવાને ધ્યાનમાં લઇને ૮૩૯થી વધુ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવી ચુક્યું છે. મોલ, મલ્ટીપ્લેક્ષ યુનિટોને નોટિસ ફટકારવાનો સિલસિલો પણ જારી રાખવામાં આવ્યો છે.
એએમસી દ્વારા વિવિધ વિસ્તારોમાં આક્રમક કાર્યવાહી જારી રાખવામાં આવી છે. હોસ્પિટલો, હોટલો અને મોલમાં પણ કાર્યવાહી કરાઈ છે. ૨૬થી વધારે હોસ્પિટલો, હોટલો અને મોલ સીલ કરી દઇને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુદા જુદા ઝોનમાં આ કાર્યવાહી ચાલી રહી છે. સૌથી વધારે દક્ષિણ ઝોનમાં ૨૯૦થી વધારે એકમોમાં ચકાસણી કરીને ૪૪થી વધુ નોટિસ ફટકારવામાં આવી છે. સાથે સાથે દક્ષિણ ઝોનમાં સાત એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે.
પૂર્વ ઝોનમાં ૨૧૮ યુનિટોમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ૬૦ નોટિસ ફટકારવામાં આવી છે. મધ્ય ઝોનમાં ૫૯, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૦૮ અને પશ્ચિમ ઝોનમાં ૪૪ યુનિટોમાં ચકાસણી કરવામાં આવી ચુકી છે. હાલમાં ડેંગ્યુએ જારદાર આતંક મચાવી દીધો છે. સાપ્તાહિક આરોગ્યના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, માત્ર ત્રણ દિવસના ગાળામાં જ અમદાવાદ શહેરમાં ડેંગ્યુના ૧૨૦ નવા કેસ સપાટી ઉપર આવતા હાહાકાર મચી ગયો છે. ૭મીથી નવમી નવેમ્બરના આંકડામાં જ ડેંગ્યુના ૧૨૦થી વધુ કેસ નોંધાઈ ગયા હતા
જ્યારે નવમી નવેમ્બર સુધીના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો આ વર્ષે અમદાવાદમાં ડેંગ્યુના ૩૪૬૫થી પણ વધારે કેસ નોંધાઈ ચુક્યા છે. દંડની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ચાણક્ય પ્લાઝા, ચાંદખેડા, હિમાલય મોલ જેવા વિસ્તારમાં જેગી દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ૭૦૦થી વધુ સ્કુલો દ્વારા સાફસફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સાવચેતીના પગલારુપે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી ચુકી છે. એએમસી દ્વારા આ ઝુંબેશ હાલ જારી રાખવામાં આવે તેવી શક્યતા છે.