અમદાવાદમાં ડેન્ગ્યુના ચાર દિવસમાં ૨૫ કેસો નોંધાયા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં નવા વર્ષમાં પણ કેસો નોંધાયા છે. સાદા મેલેરિયાના નવા વર્ષમાં ૮થી વધુ કેસ અને ડેંગ્યુના ૨૫થી વધુ કેસ નોંધાયા છે. બીજી બાજુ પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલ્ટીના ૪૫ અને કમળાના ૨૯ કેસ સપાટી ઉપર આવ્યા છે. ટાઇફોઇડના ૩૦ કેસો સપાટી ઉપર આવ્યા છે. રોગચાળાના કેસોને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં પણ મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. આંકડા પર નજર કરવામાં આવે તો નવેમ્બર મહિનામાં ૭૯૩ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.
પહેલીથી ૩૦મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ડેંગ્યુના ૭૯૩ કેસો નોંધાયા હતા. ૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી જ બે ગણો થઇ ચુક્યો હતો અને આંકડો ૭૯૩ ઉપર તો નવેમ્બરના અંત સુધી જ પહોંચી ગયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ૧૮૮૩ ક્લોરિન ટેસ્ટ આ ગાળા દરમિયાન કરવામાં આવ્યા છે. ઉપરાંત ક્લોરિન ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાની તપાસ કરાઈ છે. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે હજારોની સંખ્યામાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવાયા છે.
જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન ૧૨૦૯૬૯ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા જેની સામે ચોથી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ૨૪૩૩૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન લીધેલા ૨૭૮૬ સિરમ સેમ્પલોની સામે ચોથી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ૧૨૦ સિરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. ઠંડીના દિવસોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.