Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યુ-ચીકન ગુનિયાના કેસમાં ચાર ગણો વધારો

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો બેકાબૂ બની રહ્યો છે. ડેન્ગ્યૂ, ચીકનગુનીયા અને ટાઈફોઈડ જેવા જીવલેણ રોગના કેસમાં અસામાન્ય વધારો જાેવા મળ્યો છે. મ્યુનિ.આરોગ્ય વિભાગના અધિકારીઓ “ઘોડા છૂટી ગયા પછી તબેલા પર તાળા મારવા” નીકળ્યા હોય તેમ રોગચાળો નિયંત્રણ બહાર થયા બાદ ફોગીંગ અને તળાવ સફાઈના કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે ડેન્ગ્યુ અને ચીકનગુનિયા કેસમાં ગત વર્ષની સરખામણીએ ૩૦૦થી ૪૦૦ ટકાનો વધારો થયો છે.

સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકો ફરી એક વખત રોગચાળાના સકંજામાં આવી ગયા છે. શહેરમાં વરસાદી પાણીના ભરાવા તેમજ સમયસર સફાઈના અભાવે મચ્છરોની ઉત્પત્તિ વધી રહી છે. જેના પરીણામે કેસમાં વધારો થયો છે. મ્યુનિ.આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ જાન્યુઆરીથી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી ડેન્ગ્યુના ૮૭૫ તેમજ ચીકનગુનિયાના ૫૦૦ કેસ નોંધાયા છે. જેની સામે ગત વરસે આ જ સમયગાળા દરમ્યાન ડેન્ગ્યૂના ૨૫૫ અને ચીકનગુનીયાની ૧૯૬ કેસ નોંધાયા હતા.

સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૧ દિવસમાં ડેન્ગ્યૂના ૧૭૯ તથા ચીકનગુનિયાના ૯૧ કેસ કન્ફર્મ થયા છે. આમ, ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે. તેવી જ રીતે જાન્યુઆરીથી ૧૧ સપ્ટેમ્બર સુધી સાદા મેલેરીયાના ૫૪૯ અને ઝેરી મેલેરીયાના ૫૦ કેસ નોંધાયા છે.

ગત વરસે આ સમયગાળા દરમ્યાન સાદા મેલેરીયાના ૪૩૬ અને ઝેરી મેલેરીયાના ૩૫ કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળા અને મચ્છરોની ઉત્પત્તિને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય ખાતા દ્વારા ૧૨૭૧૨૧ અને ૬૭૮૧ બિનરહેણાંક મકાનોમાં આઈ.આર.સ્પ્રે કરવામાં આવ્યા છે. તેમજ ૩ સપ્ટેમ્બરથી ૩૭ તળાવોની સફાઈ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસ પણ વધી રહ્યા છે. ચાલુ વરસે જાન્યુઆરીથી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી ઝાડા-ઉલ્ટીના ૨૪૧૨, કમળાના ૮૬૬, ટાઈફોઈડના ૧૩૬૮ તથા કોલેરાના ૬૪ કેસ કન્ફર્મ થયા છે. જેની સામે ગત વરસે આ જ સમયગાળા દરમ્યાન ઝાડા-ઉલ્ટીના ૧૭૫૦, કમળાના ૫૪૦, ટાઈફોઈડના ૯૬૫ તથા કોલેરાના શૂન્ય કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં ઝાડા-ઊલ્ટીના ૯૮, કમળાના ૭૩ તેમજ ટાઈફોઈડના ૧૧૫ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.