Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી, ટાઈફોઈડના કેસ વધ્યા

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસ એકાએક ઘટી ગયા છે પણ બીજી બીમારીનો રાક્ષસ માથું ઊંચકી રહ્યો છે. ચોમાસું સીઝન બાદ રોગચાળો બેકાબુ થયો છે. ખાસ કરીને શહેરમાં પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે.

અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘરે ઘરે મચ્છરજન્ય રોગ જેવા કે ડેંગ્યુ-ચિકનગુનિયાના કેસ સતત વધી રહ્યા હોવાનું એક રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરના સૌથી વિકસીત એવા પશ્ચિમ વિસ્તારમાં ગોતા, નિર્ણયનગર વાડજ પાલડી, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, નવરંગપુરામાંથી વધુ કેસ નોંધાયેલા છે.

જ્યારે પૂર્વ ગણાતા વિસ્તાર ગોમતીપુર, રખિયાલ અને વટવા વિસ્તારમાં રોગચાળો વકરતા સ્થિતિ ગંભીર બની છે. જેમાં દાણી લિમડા, બહેરામપુરા, જમાલપુર, ખાડિયા તથા સરસપુર વિસ્તારમાં પાણીજન્ય રોગ જેમ કે, ઝાડા-ઊલટી, ટાઈફોઈડના કેસ નોંધાયા છે.

અમદાવાદ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ઈન્ચાર્જ ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, સરકારી અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં તથા શહેરની મુખ્ય ગણાતી ૧૦૦થી વધારે હોસ્પિટલમાં ડેંગ્યુ, ચિકનગુનિયા કે મચ્છરજન્ય રોગથી ચાલું મહિનામાં કોઈ વ્યક્તિનું મોત થયું નથી.

આ માટે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ મહિને છેલ્લા ૨૫ દિવસમાં ડેંગ્યુના ૬૯૩, ચિકનગુનિયાના ૨૮૭ કેસ નોંધાયેલા છે. જ્યારે ઝાડા ઉલટીના ૩૩૬, ટાઈફોઈડના ૨૯૧ કેસ નોંધાયેલા છે. અમદાવાદ કોર્પોરેશને એવો દાવો કર્યો છે કે, મેલેરિયા માટે ૪૦૦ જેટલી ટીમ તથા આરોગ્ય વિભાગની અન્ય ૩૦૦ સભ્યની ટીમ મચ્છરજન્ય રોગને કાબુમાં લેવા માટે બ્રિડિંગ શોધી રહી છે. આ માટે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી છે.

હાલમાં દરેક જગ્યાએ ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. પણ શહેરના જુદા જુદા વિસ્તારમાં સફાઈના અભાવે મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. આ મહિનામાં જ મચ્છરજન્ય રોગમાં ડેંગ્યુના ૬૯૩, ચિકનગુનિયાના ૨૮૭, મેલેરિયા ૧૯૯ કેસ, ઝેરી મેલેરિયાના ૧૬ કેસ નોંધાયા છે.

જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના ૩૩૬, ઝાડા ઉલ્ટીના ૨૯૧, કમળાના ૧૯૬ અને કોલેરાના ૦ જેટલા કેસો નોંધાયા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં મચ્છરજન્ય રોગ તથા બ્રિડિંગ શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.

ખાસ કરીને બંધ પડેલા કોમર્શિયલ એકમ, બંધ પડેલા એકમ તથા ઈન્સ્ટિટ્યુટમાં બ્રિડિંગ વધું જાેવા મળ્યું છે. આવા એકમમાં યુદ્ધના ધોરણે સાફસફાઈ કરવામાં આવે એવું કહેવામાં આવ્યું છે. પણ શહેરમાં વધી રહેલી ગંદકીના ચિત્ર સામે સફાઈની કામગીરી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.