અમદાવાદમાં તાંત્રિકવિધિના બહાને બે બહેનો પર દુષ્કર્મ
વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તાંત્રિકે અવારનવાર દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ : અમદાવાદ શહેરમાં બનેલી ચોંકાવનારી ઘટના : ઘરમાં ભૂત પ્રેત હોવાનું જણાવી બંને બહેનો પાસેથી લાખો રૂપિયા પણ પડાવી લીધા |
(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં દુષ્કર્મના મામલે ભારે ઉહાપોહ મચેલો છે ત્યારે શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે જેમાં ઘરમાં ભૂત હોવાથી વિધિ કરવાના બહાને એક તાંત્રિકે બે સગી બહેનો પર દુષ્કર્મ ગુજારી લાખો રૂપિયા પડાવી લીધા છે આ ઉપરાંત વિડીયો ક્લીપો વાયરલ કરવાની ધમકી આપી તાંત્રિકે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની યુવતિઓએ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતિના પિતા સરકારી નોકરી દરમિયાન જ અવસાન પામતા રૂ.૭ લાખ મળ્યા હતાં પિતાના અવસાન બાદ માતાની તબિયત નાદુરસ્ત રહેતા તે ચિંતિત બની હતી આ દરમિયાન આ યુવતિ ઘાટલોડિયા ગોપાલનગરમાં રહેતો દોલતરામ સુથાર નામનો શખ્સ સંપર્કમાં આવ્યો હતો અને તેણે પોતે તાંત્રિક હોવાનું જણાવી તમારા ઘરમાં ભૂત પ્રેત રહે છે તેથી વિધિ કરવી પડશે તેવુ જણાવી જુદી જુદી વિધિ કરી હતી પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડતાં આખરે આ તાંત્રિકે યુવતિ પર તાંત્રિકવિધિ કરવાના બહાને દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ અવારનવાર આ યુવતિને બોલાવી જુદા જુદા ગેસ્ટહાઉસોમાં લઈ જતો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ ગુજારતો હતો આ દરમિયાનમાં યુવતિ પાસેથી તેના પિતાના આવેલા ૭ લાખમાંથી પ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી.
કહેવાતા તાંત્રિકને આ યુવતિના પિતાનું ચંદ્રભાગા પાસે બીજુ એક મકાન પણ આવેલુ હોવાનું જણાવ્યું હતું તેથી તાંત્રિકે આ ઘરમાં જ ભૂત પ્રેત હોવાનું જણાવી મકાન વેચાવી નાંખ્યું હતું અને મકાનમાંથી આવેલા રૂ.૧૭ લાખ પૈકી મોટાભાગની રકમ પણ તાંત્રિકે પડાવી લીધી હતી યુવતિ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા બાદ હવસખોર તાંત્રિકે આ યુવતિની નાની બહેન પર નજર બગાડી હતી.
મોટી પુત્રી પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ આ તાંત્રિકે તેનાથી નાની બહેનને શિકાર બનાવી હતી અને વિડીયો ક્લીપો બતાવી તેને વાયરલ કરવાની ધમકી પણ આ તાંત્રિક આપતો હતો. તાંત્રિકના ત્રાસથી બંને બહેનો ત્રસ્ત બની ગઈ હતી અને આખરે બંને બહેનોએ તાંત્રિકે આપેલી હત્યાની ધમકીથી ગભરાઈ જઈ પોલીસ અધિકારીઓની મદદ માંગી હતી. બંને બહેનોની વાત સાંભળી અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને આ અંગે વાડજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.