અમદાવાદમાં ત્રણ પૂર્વ સીનીયર કોર્પોરેટરના પુત્રો ચૂંટાયા
કોંગ્રેસના પૂર્વ સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીના પુત્ર નીરવ, તૌફીકખાન પઠાણના પુત્ર ઝૂલ્ફીખાન તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયેલા અતુલ પટેલના પુત્રને ટિકિટ મળી હતી.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી-ર૦ર૧માનં ભાજપાએ પરિવારવાદને તિલાંજલી આપવા જાહેરાત કરી હતી. તેમ છતાં કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયેલા અતુલ પટેલના પુત્ર મૌલિક પટેલને રામોલ-હાથીજણ વોર્ડમાંથી ટિકિટ આપી હતી તથા તેઓ જંગી બહુમતિથી ચૂંટણી જીત્યા છે.
જયારે કોંગ્રેસના પૂર્વ સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ ચૂંટણી લડવા માટે અનિચ્છા જાહેર કરી હતી તેથી પાર્ટીએ તેમના પુત્ર નિરવભાઈ બક્ષીને દરિયાપુર વોર્ડમાંથી ટિકિટ આપી હતી. નીરવ બક્ષી અને કોંગ્રેસ પેનલનો દરિયાપુર વોર્ડમાં ભવ્ય વિજય થયો છે તથા કોટ વિસ્તારમાં તેમણે કોંગ્રેસના અસ્તિત્વને ટકાવી રાખ્યુ છે.
કોંગ્રેસના બીજા એક પૂર્વ સીનીયર કોર્પોરેટર તૌફીકખાન પઠાણે પણ નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો. પાર્ટીએ તેમના પુત્ર ઝૂલ્ફીખાન પઠાણને ગોમતીપુર વોર્ડમાંથી ટિકિટ આપી હતી જયાં તેઓ ચૂંટણી જંગ જીતી ગયા છે. આમ ર૦ર૧ની ટર્મમાં ત્રણ સીનીયર કોર્પોરેટરો નિવૃત થયા છે તેમના સ્થાને તેમના પુત્રોએ લીધા છે તથા આગામી પાંચ વર્ષ તેઓ પાર્ટી અને પક્ષના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે.