અમદાવાદમાં દોઢ લાખથી વધુ શ્રમજીવીઓના કોઇ ડેટા જ કોન્ટ્રાક્ટરો પાસે નથી
અમદાવાદ, શહેરમાં ચોરી-લૂંટની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, જેને રોકવામાટે પોલીસ રાત-દિવસ મહેનત કરતી હોય છે, જેમાં કેટલાક કેસોમાં સફળતા મળે, જ્યારે કેટલાક કેસોમાં સફળતા મળતી નથી. સામાન્ય રીતે ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે ચડ્ડી-બનિયાનધારી, ચીખલીકર ગેંગ જેવી અનેક ગેંગ સક્રિય હોય છે
ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કડિયા-મજૂરો પણ ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપતા હોય છે. અમદાવાદ તેમજ અમદાવાદ બહાર અસંખ્ય કેસો એવા બન્યા છે કે જેમાં ચોર અને લૂંટારુઓ કડિયા-મજૂરો નીકળ્યા હોય છે.
અમદાવાદમાં દોઢ લાખ કરતા વધુ કડિયા-મજૂરો કામ કરે છે, જેમનો કોઇ ડેટા કોન્ટ્રાક્ટર પાસે હોતો નથી. જાે કોન્ટ્રાક્ટર તમામનો ડેટા રાખે તો પોલીસને કેટલાક વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ મળી શકે છે. ઘાટલોડિયામાં આવેલા રન્નાપાર્કમાં ટેલિફોન એક્સચેન્જ પાસેના પારસમણિ ફ્લેટમાં દયાનંદભાઇ સુબરાવ શાનબાદ (ઉ.વ.૯૦),
પત્ની વિજ્યાલક્ષ્મીબહેન (ઉ.વ.૮૦)ના હત્યાકાંડમાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળતા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ કન્સ્ટ્રક્શન સાઇટ પર કડિયા -મજૂરનું કામ કરે છે અને તેઓ મૂળ ઝારખંડના છે. બે મહિના પહેલા તેઓ અમદાવાદ કામકાજ માટે આવ્યા હતા.
દિવાળીના તહેવારનું સેલિબ્રેશન કરવાનું હોવાથી બંને જણાએ લૂંટનું આયોજન કર્યું હતું. લૂંટ માટે કોઇ ચોક્કસ મકાન ટાર્ગેટ હતું નહીં, પરંતુ જે ઘરમાં ઘૂસી જવાય ત્યાંથી લૂંટ કરવાનો પ્લાન હતો. ધનતેરસના દિવસે તેમણે છરી ખરીદી હતી. ત્યારબાદ દયાનંદભાઇના ઘરમાં ઘુસી ગયા હતા.
બંને જણા લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા દયાનંદભાઇ અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબહેને બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. પહેલી બૂમ પાડતાની સાથે જ આરોપીઓએ તેમના ગળામાં છરી હુલાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અમદાવાદમાં હજારો કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલે છે,
જેમાં લાખો કડિયા-મજૂર કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. કડિયા-મજૂર મોટા ભાગે દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ તેમજ ઝારખંડના હોય છે. તેઓ રોજી-રોટી રળવા માટે એક જગ્યાએથી બીજી જગ્યા પર કામ પર જતા હોય છે. કડિયા-મજૂરોની આડમાં કેટલાક લોકો લૂંટ અને ચોરી કરવા માટે પણ નીકળતા હોય છે, જેના અનેક કિસ્સા અમદાવાદમાં બની ચૂક્યા છે.
થોડા સમય પહેલા બોપલના રહેવાસીના ઘરમાં ઘૂસી જઇ મારી નાખવાની ધમક આપી ૨૨ લાખથી વધુની લૂંટ ચલાવનારા ત્રણ શખ્સોની ક્રાઇમ બ્રાંચે વૈષ્ણોદેવી સર્કલથી અટક કરી હતી. તપાસમાં આરોપીઓએ અમદાવાદ તથા અન્ય જિલ્લામાં ૧૬થી વધુ ઘરફોડી કરી હોવાનું બહાર આવ્યું હતું.
લોકલ ક્રાઇમ બ્રાંચે દાહોદના મુકેશ ખીમલા મોહનિયા (૩૦), રામસિંહ ઉર્ફે બાબુ એન.માવી (૪૦) અને કલસિંગ એસ. ડામોર (૧૯)ની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ કડિયા-મજૂર હતા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને મોડી રાતે ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપતા હતા.
આ ઉપરાંત ગત ડિસેમ્બર મહિનામાં બોપલ ખાતે સોની પાસેથી રૂ.૩ લાખના દાગીના ભરેલી બેગની લૂંટની ઘટનામાં એલસીબીની ટીમે જે આરોપીને પકડી પાડ્યા હતા તે તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. દુકાન બંધ કરી સ્કૂટર પર ઘરે જતા સોનીને પાછળથી બાઇક પર આવેલા લૂંટારુએ દાંતી શર્ટમાં ભરાવી નીચે પાડી દીધા બાદ તેમના બંને હાથ ફ્રેક્ચર કરી સ્કૂટરના હુકમાં ભરાવેલી સોના-ચાંદીના દાગીના ભરેલી બેગની લૂંટ કરી હતી. આ કાંડમાં પોલીસે દાહોદના યુવકની ધરપકડ કરી હતી.