અમદાવાદમાં ધો. ૧૧માં પ્રવેશ માટે શાળાઓમાં “નો એડમિશન”ના પાટિયા
અમદાવાદ, કોરોનાના કારણે આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦માં માસ પ્રમોશન આપી તમામને પાસ તો કરી દેવાયા. પરંતુ હવે સૌથી મોટી સમસ્યા ધોરણ ૧૧માં પ્રવેશની શરૂ થઈ છે. કારણ કે મોટા ભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે નો એડમિશન કે પછી વિદ્યાર્થીઓને વેઈટિંગમાં રાખવામાં આવી રહ્યા છે.
જેને લઈને પોતાના સંતાનને ધોરણ ૧૧માં પ્રવેશ મળશે કે કેમ તેને લઈ વાલીઓ ચિંતિત બન્યા છે. ધોરણ ૧૦નું પરિણામ જાહેર થતાની સાથે હવે શાળાઓમાં ધોરણ ૧૧ માટે પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ છે. પરંતુ હજુ તો પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ત્યાં જ શાળાઓએ નો એડમિશનના પાટિયા લગાવી દીધા છે.
તો ઘણી શાળાઓએ વિદ્યાર્થીઓને વેઈટિંગ લિસ્ટ પકડાવી દીધું છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાયા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનું કહેવું છે કે માસ પ્રમોશન મળતા આ વખતે બોર્ડનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સ્કૂલોમાં લિમિટેડ સંખ્યા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને તમામ સ્કૂલોમાં ધક્કા ખાવા પડી રહ્યા છે.
આ મામલે શિક્ષણબોર્ડ દ્વારા પણ પ્રવેશ અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં નથી આવી જેથી ક્યાં જવું તે સમજાતું નથી. તો શાળાના પ્રિન્સિપાલ પ્રવીણભાઈ પટેલ જણાવે છે ધોરણ ૧૧માં ૧ વર્ગ હોય તો તે ૬૦ના બદલે ૧૫ વધારી ૭૫ સંખ્યા બેસાડી શકાય પણ તેની સામે ૫૦થી ૧૦૦ વિદ્યાર્થીઓની અરજીઓ આવી રહી છે એ વિદ્યાર્થીઓને તો પછી વેઈટિંગ માં જ રાખવા પડે. આ સ્થતિ ઘણી ગ્રાન્ટેડ શાળાઓની છે.
તો બીજી તરફ ધોરણ ૧૧ સમાન્ય પ્રવાહમાં પ્રવેશને લઈ અમદાવાદ શહેરના ઇન્ચાર્જ ડ્ઢઈર્ં હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું કે ધોરણ ૧૧ માટે શરુ થયેલ પ્રવેશ પ્રક્રિયામાં શાળામાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત નહીં રહે. આમ તો ધોરણ ૧૧ના વર્ગમાં ૬૦થી વધુ ૭૫ની સંખ્યા કરવા બોર્ડે જણાવ્યું છે.
આ ઉપરાંત ૭૫થી વધુ સંખ્યા શાળાઓ પોતાની ભૌતિક સુવિધા અનુસાર ભરી શકશે તેવું પણ ડ્ઢઈર્ંએ ઉમેર્યું છે. અમદાવાદમાં ૪૧૫ જેટલી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ધોરણ ૧૧ સાયન્સમાં પણ વિદ્યાર્થીઓ વંચિત ન રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. જાે કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહી જાય છે તો તેવા સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કેમ્પનું આયોજન કરાશે.