અમદાવાદમાં ‘નેચરરાઈઝેશન’ થીમ પર યોજાશે નરેન્દ્ર પટેલ દ્વારા નિર્મિત પેઈન્ટીંગ એક્ઝિબિશન
અમદાવાદમાં તારીખ 25-26-27 ફેબ્રુઆરી, 2022ના રોજ ગુજરાત રાજ્ય લલિતકલા એકેડમીના સહયોગથી શ્રી સોમાલાલ શાહ આર્ટ ગેલેરી, લૉ ગાર્ડન ખાતે નરેન્દ્ર પટેલના પેઈન્ટીંગનું એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. પથ્થર, ઝાડ અને પક્ષીઓ જેવા કુદરતી વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર પટેલ દ્વારા નિર્મિત પેઈન્ટીંગ્સ અમદાવાદના કલારસિકોને નિહાળવા મળશે.
આ ત્રણ દિવસીય એક્ઝિબિશનનું ઉદ્ઘાટન તારીખ 25 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરે 4-00 કલાકે કરવામાં આવ્યું હતું તથા તારીખ 26-27ના રોજ બપોરે 12-00 થી સાંજે 7-00 સુધી એક્ઝિબિશન નિહાળી શકાશે.
આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે વાત કરતાં શ્રી નરેન્દ્ર પટેલ જણાવે છે કે અહિં ‘નેચરરાઈઝેશન’ થીમ પર પ્રદર્શીંત કરવામાં આવેલા મોટા ભાગના ચિત્રો વોટર કલરની મદદથી કરવામાં આવેલા છે. આ ચિત્રો ક્યાંકને ક્યાંક નેચરને સાથે સંકળાયેલા છે. મારા મતે નેચર(કુદરત)ને લગતાં આપણે બધા માણસો, પશુ-પક્ષીઓ, પર્વતો, વૃક્ષો બધા જ સમાન છીએ.
જે રીતે માણસ મોટો થાય છે એ રીતે વૃક્ષો મોટા થાય છે અને જ્યારે એક વૃક્ષ કપાય છે ત્યારે સંસારના જેટલા પણ વૃક્ષો છે તે દરેકને દુખ થાય છે તે મારું પોતાનું માનવું છે અને ચોક્કસપણે દુઃખ થાય પણ છે અને તે દુઃખ એટલું જ હોય છે જેટલુ એક માણસ આપણી વચ્ચેથી જતો રહે ત્યારે આપણને થાય છે.
માણસની સંવેદના અને વૃક્ષની સંવેદના બંન્નેનો સુમેળ હોય છે. એકબીજા માટે લાગણીઓ અને એકબીજા સાથે મોટા થવું એ બધી વાતોને લઈને એ વિષયને ધ્યાનમાં રાખીને મેં મારા ચિત્રો અહિંયા તૈયાર કર્યા છે. જ્યાં માણસોની સાથે પથ્થર. પથ્થરની સાથે વૃક્ષો, વૃક્ષો સાથે પક્ષીઓ આ બધાનો સુમેળ કરીને મેં આ ચિત્રો તૈયાર કર્યાં છે.
નરેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી એવોર્ડથી બે વખત સન્માનવામાં આવેલ છે. તેઓએ અત્યાર સુધીમાં ભારતમાં અમદાવાદ, મુંબઈ, બેંગલોર, સુરત, જયપુર અને ઉદયપુર તેમજ વિદેશોમાં અમેરીકા અને કેન્યામાં જેવા વિવિધ 17 સ્થળો પોતાની કલાને પ્રદર્શિત કરતા એક્ઝિબિશનનું આયોજન કરેલ છે.