Western Times News

Gujarati News

અમદાવાદમાં પકડાયેલાં એમ.ડી ડ્રગ મામલે મુંબઈના બે ડ્રગ માફીયાની ધરપકડ કરતી ક્રાઈમબ્રાંચ

પ્રતિકાત્મક

દુબઈમાં રહેતા ડ્રગ માફીયા કૈલાશ રાજપુતનું નેટવર્ક બહાર આવ્યું

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેર ક્રાઈમબ્રાંચે વર્ષ ર૦૧૯માં એમ.ડી ડ્રગ્સ ઝડપવાના મામલે ચાર ઈસમોની ધરપકડ કરી હતી આ મામલે તપાસ બાદ મહારાષ્ટ્રના કેટલાંક શખ્શોના નામ ખુલ્યા હતા જેની ઉંડાણપૂર્વક તાસ કરવામાં આવતા રાજયમાં ચાલી રહેલા ડ્રગ નેટવર્કના આંતરરાષ્ટ્રીય કનેકશન બહાર આવતા ચકચાર મચી છે. હાલ સુધીની તપાસમાં ડ્રગનો ધંધો દુબઈમાં રહીેને માફીયા ચલાવી રહયો છે તેવી વિગતો સામે આવી છે.

આ અંગેની વિગત એવી છે કે વર્ષ ર૦૧૯માં અમદાવાદ ક્રાઈમબ્રાંચે ૧.૪૭ લાખની કિંમતનો ૧.૪૭ ગ્રામ મેથા એમ્ફેટામાઈન એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો.

આ મામલે મઝહરહુસેન તેજાબવાલા, ઈમ્તિયાઝ શેખ, ઈમરાન અજમેરી અને સહેજાદહુસેન તેજાબવાલા (તમામ રહે.અમદાવાદ)ની ધરપકડ કરી હતી જેમની પુછપરછમાં મુંબઈના અસ્ફાક અહેમદ ઉર્ફે અફાકબાવા તથા અન્યોના નામ બહાર આવ્યા હતા જેથી ક્રાઈમબ્રાંચે મહારાષ્ટ્રમાંથી તેને ઝડપી લઈ ઉંડાણપૂર્વક પુછપરછ કરી હતી જે દરમિયાન પકડાયેલો એમડી ડ્રગનો જથ્થો મુંબઈના સપ્લાયર ફરહાન ખાન તથા રેહાનખાન પાસેથી પોતે અપાવ્યાનું કબુલ કર્યું હતું.

ત્યારબાદ મહારાષ્ટ્રની સેન્ટ્રલ જેલ થાણે ખાતે પેદ ફરહાન ખાનને પુર્ણ પ્રોડકશન વોરંટ આધારે આ વર્ષના જુલાઈ મહીનામાં અમદાવાદ લાવીને તેની પણ ઘનિષ્ટ પુછપરછ કરતા મુંબઈના મોટા ડ્રગ્સ માફીયા પરવેઝ ઉર્ફે ચિન્કુ પઠાણ તથા આરીફ ઉર્ફે બોસ યાકુબ ભુજવાલા પાસેથી તેણે ખરીદ્યુ હોવાનું કહયું હતું.

જેની તપાસ પીઆઈ એ.વાય. બલોચને સોંપવામાં આવતા તેમની ટીમે થાણે સેન્ટ્રલ જેલમાં કેદ પરવેઝખાન તથા આરીફ બોસનો કબ્જાે મેળવ્યો હતો બંનેના હાલમાં બે દિવસના રિમાન્ડ મળ્યા છે.

બંનેની પ્રાથમિક તપાસ દુબઈ ખાતે રહીને ભારતમાં એમડી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા કૈલાશ રાજપુતનું નામ સામે આવ્યું છે બંને ભેગા મળીને ડ્રગ માફીયા કૈલાશ રાજપુતના માણસ સિકંદર (મુંબઈ) સાથે મળીને ડ્રગ્સનું નેટવર્ક સમગ્ર ભારતમાં ચલાવે છે અને દર મહીને આશરે ૩૦ કિલો એમડી ડ્રગ્સનો સપ્લાય કરે છે.

આગામી દિવસોમાં બંનેની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસાની સંભાવના છે. જેથી ક્રાઈમબ્રાંચે હવે ગુજરાત-અમદાવાદમાં ડ્રગ્સ માફીયાનું નેટવર્ક તોડવા કમર કસી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.