Western Times News

Gujarati News

અમદાવાદમાં પણ ચીનના વુહાન પ્રાંતની જેમ આરોગ્ય સુવિધાઓનું માળખું વિકસાવાશે

અમદાવાદ: નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્યના મુખ્ય અધિક સચિવ શ્રી પંકજ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણના સંભવિત ખતરા સામે પહોંચી વળવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી. શ્રી પંકજ કુમારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રને ચીનના વુહાન પ્રાંતમાં કોરોના સંદર્ભે ઉભી કરાયેલી આરોગ્ય સુવિધાઓ જેવી સુવિધાઓ ઉભી કરવા સૂચના આપી હતી.

તેમણે આરોગ્યની સુવિધાઓને વધુ દ્રઢ બનાવવા માટે નોન ક્રિટિકલ આઈસોલેસન હોસ્પિટલ જેવી વિશેષ સુવિધા ઉભી કરવાનો વિચાર રજૂ કર્યો હતો. અધિક મુખ્ય સચિવશ્રીએ આ સમીક્ષા બેઠકમાં તેમણે અધિકારીઓને વલ્નરેબલ પોકેટ(જોખમવાળા વિસ્તારો)નો મેપ તૈયાર કરી તેને આધારે આયોજન કરવાના દિશાનિર્દેશ પણ આપ્યા હતા. તેમણે આફતને પહોંચી વળવા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ભૂતકાળમાં આ પ્રકારની આફતોના અનુભવોનો ઉપયોગ કરવાનો પણ અનુરોધ કર્યો હતો. આ સમીક્ષા બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.