અમદાવાદમાં પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચવાની આગાહી
અમદાવાદ, આ અઠવાડિયે, શહેરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિઅસનો આંકડો પાર કરે તેવી શક્યતા છે, તેમ ભારતીય હવામાન વિભાગના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. રવિવારના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વધારે ગરમીનો અનુભવ થયો હતો, જે દર્શાવે છે કે રાજ્યમાં ઉનાળો વધુ તીવ્ર બની રહ્યો છે. સોમવારે પણ તાપમાન વધારે રહેવાની શક્યતા છે.
રવિવારે ભુજનું મહત્તમ તાપમાન ૪૦.૨ ડિગ્રી અને રાજકોટમાં ૪૦ ડિગ્રી નોંધાયું હતું. ‘હવામાનની સ્થિતિના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે’, તેમ મોહંતીએ જણાવ્યું હતું. ‘આગાહી દર્શાવે છે કે, આગામી ૪-૫ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિઅસનો ધીમે-ધીમે વધારો થશે’. અમદાવાદમાં રવિવારે તાપમાનનો પારો ૩૮.૮ ડિગ્રી સેલ્સિઅસે પહોંચી ગયો હતો.
જે સોમવારે ૩૯ ડિગ્રી પર યથાવત્ રહેવાની શક્યતા છે. IMDએ જણાવ્યું હતું કે, લઘુત્તમ તાપમાન પણ ૨૧ ડિગ્રી એટલે કે સામાન્ય કરતા થોડુ વધારે હતું. IMDના અધિકારીઓએ કહ્યું હતું કે, ૨૦૨૧માં માર્ચમાં મહત્તમ તાપમાન ૪૧.૭ ડિગ્રીએ પહોંચ્યું હતું, ૨૦૨૦માં તે ૩૮.૪ ડિગ્રી અને ૨૦૧૯માં ૪૨.૨ ડિગ્રીએ પહોંચ્યું હતું. ૨૮ અને ૩૧ માર્ચની વચ્ચે સૌથી વધુ તાપમાન નોંધાયુ હતું.
સામાન્ય રીતે દર વર્ષે હોળી બાદ ગરમીની ધીમે-ધીમે શરૂઆત થતી જાેવા મળતી હોય છે. પરંતુ આ વખતે તો સ્થિતિ એકદમ ઊંધી છે. હોળીના ૪-૫ દિવસ પહેલાથી જ આકરી ગરમી પડી રહી છે. રવિવારે તો વધારે આકરા તાપનો અનુભવ થયો હતો.
રવિવારે આમ તો રજા હોવાથી લોકો વધારે બહાર ફરતા જાેવા મળે છે. પરંતુ રવિવારે બપોરે રસ્તા સૂમસાન જાેવા મળ્યા હતા. આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને આ સમયગાળા દરમિયાન સીધો ગરમીનો સંપર્ક ટાળવા, બહાર નીકળતી વખતે માથુ ઢાંકવા, ઢીલા અને આછા રંગના સુતરાઉ કપડા પહેરવાની સલાહ આપી છે.SSS