Western Times News

Gujarati News

અમદાવાદમાં પોલીસે ૨ દિવસમાં વસૂલ્યો ૧૮ લાખનો દંડ

અમદાવાદ, રાજ્યમાં કોરોનની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે કારણ કે, કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને હાલ રાજ્યમાં ૧ હજાર કરતા વધારે પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. જે નવા કેસો સામે આવે છે તેમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદ અને સુરતમાંથી સામે આવી રહ્યા છે.

મહત્ત્વની વાત છે કે, કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન પણ સુરત અને અમદાવાદ આ બે શહેરો એવા હતા જેમાંથી પોઝિટિવ કેસો ખૂબ જ વધારે સામે આવી રહ્યા હતા અને હવે આ બે શહેરોમાંથી જ વધારે પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

કોરોનાના વધતા જતા કેસને લઇને સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા તેમની પાસેથી હવે પોલીસ દ્વારા દંડની વસૂલાત પણ કરવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં બે દિવસના સમયગાળામાં માસ્ક ન પહેરવા બદલ પોલીસ દ્વારા ૧૮૫૦ જેટલા લોકોને દંડ કરવામાં આવ્યો હતો અને લોકો પાસેથી ૧૮ લાખ કરતા પણ વધારે દંડની વસૂલાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જાહેર સ્થળો, મોલ-મલ્ટિપ્લેક્સ પર માસ્ક નહીં પહેનારાઓ સામે હવે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્‌યૂનો પણ કડક અમલ કરાવવાને લઈને ગૃહ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૫૯ પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. તેમાંથી અડધા એટલે કે ૬૪૪ જેટલા કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા હતા. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસો વધતા હવે મહાનગરપાલિકાના અધિકારીઓ પણ એક્શનમાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકાના આધિકારીએ અલગ-અલગ ટીમો બનાવીને શહેરમાં લોકો સામાજિક અંતરના કે પછી માસ્કના નિયમોનું પાલન કરે છે કે નહીં તે બાબતે તપાસ પણ શરૂ કરી છે. જ્યાં પણ નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવે ત્યાં અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ, અમદાવાદમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના વધુ બે વિસ્તારોને માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બે વિસ્તારમાં બોડકદેવ અને શૈજપુરનો સમાવેશ થાય છે અને હાલ શહેરમાં માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા ૮૬ પર પહોંચી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.