Western Times News

Gujarati News

અમદાવાદમાં બપોરે કેટલાક સિગ્નલો હજુ પણ ચાલુ

અમદાવાદ, શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી જબરદસ્ત ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં બપોરના સમય દરમિયાન કામ અંગે ઘર બહાર નીકળતા લોકો માટે કપરી સ્થિતિ ઉભી થાય છે. એક તરફ ગરમી, બીજી બાજુ ટ્રાફિક આ સિવાય હેલમેટનો પણ નિયમ હોવાથી લોકો બરાબરના બફાઈ જાય છે.

આટલું પૂરું ન હોય તેમ જાે ૧-૨ માટે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવું પડે તો તોબા તોબા શહેરીજનોને તકડામાં શેકાવું ન પડે તે માટે થોડા દિવસ પહેલા જ અમદાવાદ ટ્રાફિક પોલીસે બપોરે ૧થી ૪ના સમય દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી. જાે કે, ટ્રાફિક પોલીસની આ જાહેરાત અમુક સિગ્નલ માટે માત્ર જાહેરાત જ સાબિત થઈ છે.

મળેલી માહિતી પ્રમાણે, શહેરના જે ચાર રસ્તા પર સૌથી વધારે ટ્રાફિક રહે છે અને વધારે સમય માટે સિગ્નલ પર રોકાવું પડે છે, તે હજી બંધ કરાયા નથી. ત્યાં માત્ર સવા બેનો સમય ઘટાડીને એક મિનિટનો કરાયો છે. તો જે સિગ્નલ બંધ રખાયા છે તે ચાર રસ્તા પર પહેલાથી જ ટ્રાફિક નહોતો થતો અને ઉપરથી ત્યાં સીસીટીવી કેમેરા પણ નથી.

અમદાવાદમાં ગરમીનો પારો ૪૭ ડિગ્રીની આસપાસ સ્થિર છે. તેવામાં બપોરે જાે ટુ-વ્હીલર લઈને નીકળવાનું થાય તો ભગવાન યાદ આવી જાય તેવી સ્થિતિ થાય છે. સીધો તડકો શરીર પર પડતાં સ્કિન રીતસરની દાઝી જાય છે. કેટલાકને એલર્જી હોય તો હાથ અને પગ પર લાલ ચાંઠા પડી જાય છે.

હેલમેટ પહેર્યું હોય તો માથા પરથી પરસેવાના રેલા ઉતરવા લાગે છે, જેના કારણે પહેલાથી જ ત્રસ્ત વ્યક્તિ વધારે હેરાન થઈ જાય છે. બ્લડપ્રેશર, ડાયાબિટિસ, ડિહાઈડ્રેશન જેવી તકલીફ ધરાવતાં લોકોને ઉનાળા દરમિયાન વધારે ચક્કર આવે છે. અંગ દઝાડતી ગરમીમાં લાંબુ અંતર કાપીને ઘરે ગયા બાદ શરીર તપી જાય છે અને એકદમથી નબળાઈ આવી જાય છે.

લોકો કેટલી તકલીફો સહન કરે છે તેનો અહેસાસ કરાવવા માટે સિગ્નલ ચાલુ રાખનારાઓને બપોરે ત્યાં ઉભા રાખવા જાેઈએ, તેમ કેટલાક શહેરજનોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું. શહેરજનોએ તેમ પણ કહ્યું હતું કે, બપોરે બે મિનિટ ટ્રાફિક સિગ્નલ પર રોકાવું તે માત્ર જે-તે વ્યક્તિ જ નહીં પરંતુ તેના શરીરની શક્તિની પણ આકરી કસોટી લે છે. પરંતુ એસી કારમાં નીકળતા અધિકારીઓને ક્યાં આ બધું સહન કરવું પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.