અમદાવાદમાં બિલ્ડરો ફલેટ પર ૨૦% જેટલું ડિસ્કાઉન્ટ આપે છે
કોરોનાના કાળમાં અર્થતંત્રને થયેલી ગંભીર અસરનો ખૂબજ મોટો ફટકો રિયલિટી એસ્ટેટના ધંધા પર પડ્યો
અમદાવાદ, લોકડાઉનને કારણે બિલ્ડરો ભારે ભીંસમાં આવી ગયા છે. લોકો નવું ઘર ખરીદવામાં અચકાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં ફ્લેટો વેચાયા વગરના પડી રહ્યા છે. હાલત એવી છે કે, મકાનો વેચવા માટે બિલ્ડરો હવે ગ્રાહકોને તગડું ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. માત્ર ૧ કરોડથી વધુ કિંમત ધરાવતા જ નહીં, ૫૫ લાખથી ઓછી કિંમત ધરાવતા અને અફોર્ડેબલ હાઉસિંગની કેટેગરીમાં આવતા ફ્લેટસ પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હાલ અમદાવાદમાં દસ હજાર જેટલા ફલેટ વેચાયા વિનાના પડયા છે.
જેમાંથી ૭૦ ટકા અફોર્ડેબલ હાઉસિંગની કેટેગરીમાં આવે છે, જ્યારે ૩૦ ટકા લક્ઝરી ફલેટ્સ અને બંગ્લોઝ છે. પૂર્વ હોય કે પશ્ચિમ, અમદાવાદના બંને હિસ્સામાં આ મકાનો આવેલા છે. નાઈટ ફ્રેંકના સીએમડી શિશિર બૈજલ જણાવે છે કે, લોકોમાં ઘર ખરીદવાનો કોન્ફિડન્સ ઘટ્યો છે. બીજી તરફ, વેચાતા ના હોય તેવા મકાનોની સંખ્યા પણ વધી રહી છે.
સન બિલ્ડર ગ્રુપના ચેરમેન એન.કે. પટેલનું માનીએ તો, રેસિડેન્શિયલ માર્કેટ ત્રણ કેટેગરીમાં વહેંચી શકાય. જેમાં હાઈ એન્ડ ફલેટ્સ કે રેસિડેન્શિયલ યુનિટની કિંમત ૧.૬ કરોડથી ૮ કરોડ હોય છે. જ્યારે મિડ સેગમેન્ટનો ફલેટ ૬૦ લાખથી ૧.૬ કરોડની વચ્ચે આવે છે. ૫૫ લાખથી ઓછી કિંમત ધરાવતા ફલેટ્સને અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં ગણવામાં આવે છે. હાઈ એન્ડ કેટેગરીમાં ઘણા ડેવલપર્સ હવે ૨૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.
જ્યારે મિડ કેટેગરીમાં પણ ૧૨-૧૫ ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અફોર્ડેબલ હાઉસમાં પણ બિલ્ડરો હવે મોડેથી પેમેન્ટ આપવા ઉપરાંત ભાવતાલને લઈને વધુ ફલેક્સિબલ થઈ રહ્યા છે. હાલ ચાંદલોડિયા અને અડાલજમાં ૩ બીએચકે ફલેટ્સની સ્કીમ બનાવી રહેલા નિર્માણ ગ્રુપના એમ.ડી. પ્રશાંત શાહ જણાવે છે કે, અફોર્ડેબલ હાઉસની ડિમાન્ડ હંમેશા રહે છે. જાકે, હાલની સ્થિતિમાં મારા જેવા ઘણા ડેવલપર્સ પેમેન્ટ બાબતે વધુ ફલેક્સિબલ નિર્માણ ગ્રુપના એમડી પ્રશાંત શાહ થયા છે. મોડા પેમેન્ટ આપવા ઉપરાંત હવે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં પણ બિલ્ડરો અચકાઈ નથી રહ્યા.