અમદાવાદમાં બે માળનું મકાન ધરાશાયી થતાં બે લોકોના મોત
અમદાવાદ: અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીમાં બે માળનું મકાન એકાએક ધડાકા સાથે ધરાશાયી થયું છે. આ મકાનમાં એલપીજી ગેસનો સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આ દુર્ઘટના ઘટી છે. મકાન તૂટી પડતા અંદર રહેલા પરિવારના છ સભ્યો કાટમાળમાં ફસાઈ ગયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. જ્યારે એક વ્યક્તિની હાલ સ્થિર જણાતા તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીના એક મકાનમાં છ સભ્યો રહેતા હતા. જ્યાં અચાનક એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આ સભ્યો કાટમાળમાં ફસાયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ મકાનના કાટમાળમાં ફસાયેલાઓને બચાવવા માટેની રાહત કામગીરીમાં કુલ ચાર વ્યક્તિઓને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. બચી ગયેલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બચનાર વ્યક્તિઓમાંથી બેની હાલત ગંભીર છે.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ઘરમાં એલપીજી સિલેન્ડર લીકેજ થતો હતો જેના કારણે એકાએક બ્લાસ્ટ થયો છે. હાલ ફાયર બ્રિગેડે બચાવ કામગીરી પૂર્ણ કરી દીધી છે. આ અંગે રાણીપ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ વધુ તપાસ કરશે કે, નેમિનાથ સોસાયટીમાં બે માળનુ મકાન અચાનક કઇ રીતે ધરાશાયી થયું.
આ બે માળના મકાનમાં મકાન માલિક અને ભાડુઆત રહેતા હતા. એટલે કે, આ ઘરમાં બે પરિવાર રહેતા હતા. અચાનક ઘરમાં બ્લાસ્ટ થતાં આસપાસનાં રહીશો પણ ચિંતામાં મુકાયા હતા અને પોતાના ઘરની બહાર આવી ગયા હતા.સોસાયટીના બધા જ મકાનોની બારીના કાચ પણ તુટી પડયા હતાં જયારે સોસાયટીના રહીશોનું કહેવુ છે વિજળી પડી હોવાને કારણે મકાન તુટી પડયું છે. જાે કે આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં નુતનબેન રસિકભાઈ પંચાલ (ઉ.વ ૫૫) ભાવનાબેન પટેલ ( ઉ.વ. આશરે ૫૫)નો સમાવેશ થાય છે જયારે ઇજાગ્રસ્તોમાં મયુર પંચાલ આશિષ પટેલ વિષ્ણુ પટેલ ઈચ્છાબેન પટેલનો સમાવેશ થાય છે.