અમદાવાદમાં બે વર્ષમાં વિદેશી દારૂ માટે ૩પ૦૩ પરમીટ અપાઈ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં વિદેશી દારૂ પીવા ૩પ૦૩ પરમીટ આપવામાં આવી હોવાની માહિતી નશાબંધ વિભાગ દ્વારા વિધાનસભામાં અપાઈ છે. બે વર્ષમાં ર૪૪ હથીયારના પરવાના આપવામાં આવ્યા છે. તો કુલ પાંચ વ્યકિતએ અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે અને ૮ વ્યકિતએ આપઘાતનો પ્રાયસ કર્યો છે.
કોગ્રેસના જીજ્ઞેશ મેવાણીના એક પ્રશ્નના લેખીત જવાબમાં વિભાગ દ્વારા જણાવાયું હતું કે, વિદેશી દારૂની અમદાવાદ ૩પ૦૩ અને સુરતમાં ૯૭૭ પરમીટ આપવા બદલ કુલ ર.૬૮ કરોડ રૂપિયાની ફી પેટે આવક થઈ છે.
વિધાનસભામાં કોગ્રેસના ઈમરાન ખેડાવાલાએ છેલ્લા બે વર્ષ અમદાવાદમાં હથીયારના પરવાના અંગે માગેલી માહિતીના જવાબમાં ગૃહ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, ર૦ર૦માં ૯૩ અને ર૦ર૧-રરમાં ૩૭૯ અરજીઓ મળી હતી. તેમાં ર૦ર૦માં ૪૧ મંજૂર કરાઈ હતી અને નામંજુર કરાઈ હતી. તો ર૦ર૧-રરમાં ર૦૩ મંજુર અને ૧૭૬ નામંજૂર કરાઈ હતી.
કોગ્રેસના ગ્યાસુદીન શેખના એક સવાલના જવાબમાં અમદાવાદ શહેર-જીલ્લામાં મળીને કુલ ૬ વ્યકિતએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું ગૃહ વિભાગ દ્વારા જણાવાયું હતું તો ૧૦ વ્યકિતએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાયું છે.
કોરોનાના કારણે બેરોજગાર થયેલા વ્યકિતઓને વ્યાજખોરોનો ત્રાસ સહન ન કરવો પડે તે માટે તેમની સામે કડક પગલાં લેવાની પણ તેમણે માગણી કરી હતી.
અમદાવાદ શહેરમાં વધતી ગુનાખોરીને અંકુશમાં લેવા માટે રાજય સરકાર વહેલી તકે પોલીસના અપૂરતા મહેકમની જગ્યા ભરે તેમ પણ જણાવ્યું હતું. માસ્ક અને સીટ બેલ્ટના નામે નાગરીકોને ખોટી હેરાનગતિ બંધ કરવા પણ તેમણે માગણી કરી છે. નોધનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દિનપ્રતીદીન દારૂના ગેરકાયદે વેચાણમાં વધારો થતો જાય છે.