અમદાવાદમાં બોગસ ડોક્ટરે દર્દી પાસેથી ૧.૫૦ લાખ પડાવ્યા

પ્રતિકાત્મક
મહિલાએ પોતાના પતિની સારવાર માટે ઘરે ડોક્ટર અને નર્સ બોલાવ્યા હતા જે રોજના ૧૦ હજાર રૂપિયા લેતા હતા
અમદાવાદ: હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના પોઝિટિવ આવનાર લોકોને જ્યારે કોઈ પણ સાજા થવા માટે જે પણ સલાહ આપે તે લોકો માની રહ્યા છે. પરંતુ કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં કોઈની સલાહ કે સારવાર બાદ તે લોકોને પસ્તાવાનો વારો આવી રહ્યો છે. આવી જ એક ઘટના અમરાઈવાડી વિસ્તારમાં બની હતી. જ્યાં એક મહિલાએ તેના પતિની સારવાર માટે ઘરે ડૉક્ટર અને નર્સ ને બોલાવ્યા હતા.
૧૫ દિવસ સુધી આ સારવાર ચાલી હતી પરંતુ મહિલાના પતિની તબિયતમાં સુધારો ન થતાં આખરે આ ડૉક્ટર બોગસ હોવાની શંકા ગઈ હતી અને આ શંકા સાચી પણ પડી હતી. જેથી મહિલાએ રોજના ૧૦,૦૦૦ એટલે કે ૧૫ દિવસના દોઢ લાખ રૂપિયા ખર્ચા હોવા છતાં પણ ડોક્ટર યોગ્ય સારવાર ન આપી શકતા આખરે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ગુનો નોંધાવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા મેઘાબેન સિરસાટ ના પતિ વિશાલભાઈ શાહીબાગમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે.
તાજેતરમાં તેઓના પતિ ને શરદી ખાંસી અને તાવની બીમારી થઈ હતી અને સારું થતું ન હોવાથી તેઓને કોરોનાની અસર હશે તેમ લાગતા તેમનો સીટી સ્કેન રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં મેઘા બહેનના પતિ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જાેકે તેઓના પતિની બીમારી ની કોઈને ખબર ન પડે તે માટે હોમ ક્વોરોન્ટાઇન કર્યા હતા અને ઘરે જ સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું. પાડોશમાં રહેતા એક વ્યક્તિના માતાને કોરોના પોઝિટિવ હોવાથી ઘરે જ ડોક્ટર બોલાવી સારવાર કરાવતા હોવાની માહિતી મળતા મેઘા બહેનને પણ આ ડોક્ટરને બોલાવવા નું વિચાર્યું હતું.
જેથી તેઓની પૂછપરછ કરી નરેન્દ્ર પંડ્યા નામના ડોક્ટર નો સંપર્ક કર્યો હતો. આ નરેન્દ્ર પંડ્યા એ પોતે સ્પેશિયલ કોરોનાનો ડોક્ટર હોવાનું કહી મેઘા બહેનને પતિની સારવાર કરી સારા કરી દેશે તેવી વાત કરી રોજના ૧૦,૦૦૦ રૂપિયા નક્કી કર્યા હતા હતા. બાદમાં આ નરેન્દ્ર પંડ્યા એ સારવાર શરૂ કરી હતી. નરેન્દ્ર પંડયા ની સાથે એક નર્સ કે જેનું નામ રીનાબહેન હતું તે પણ મેઘા બહેનના ઘરે આવતી હતી
મેઘા બહેનના પતિ ને બાટલો ચઢાવી ઇન્જેક્શન તથા દવા આપતી હતી અને રોજના ૧૦,૦૦૦ રૂપિયા લઈને જતી હતી. જ્યારે નરેન્દ્ર ત્રણ-ચાર દિવસે એકવાર વિઝીટ માટે આવતો હતો અને તેની સાથે સોહીલ નામનો એક વ્યક્તિ પણ આવતો હતો. સારવાર દરમિયાન તેઓ આશ્વાસન આપતા કે ચિંતા કરો નહીં તમારા પતિને સારું થઈ જશે મારા પર ભરોસો રાખો.