Western Times News

Gujarati News

અમદાવાદમાં ભારત બંધને પગલે એસટીમાં તોડફોડ

અમદાવાદ: ખેડૂત આંદોલનકારીઓએ આજે એટલે કે ૮મી ડિસેમ્બરના રોજ ભારત બંધની જાહેરાત કરી છે. આ દરમિયાન ગુજરાત કાૅંગ્રેસે પણ શાંતિપૂર્ણ રીતે બંધને સમર્થન કર્યું છે. બંધને પગલે ગુજરાતના અનેક શહેરોમાંથી કાૅંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે. ગુજરાતમાં એકંદરે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. મોટાભાગના શહેરો ધમધમી રહ્યા છે. જ્યારે અમુક લોકોએ તોડફોડના ડરે સ્વેચ્છાએ બંધ પાડ્યો છે. આ દરમિયાન અમદાવાદ જિલ્લામાં એસટી બસમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના નળસરોવર પાસે ગુજરાત એસ.ટી.ની બસમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે.

અહીં અણિયારી ગામ પાસે બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એસ.ટી. બસને રોકીને તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાને કારણે બસનો કાચ તૂટી ગયો હતો. તોડફોડ કરનાર તત્વો કોણ હતા તેની માહિતી મળી શકી નથી. સામે આવેલા વીડિયોમાં અમુક લોકો બસ રોકીને પીએમ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. આ સાથે જ બસ પર એક પછી એક બે પથ્થર ફેંકવામાં આવે છે. એસ.ટી.ની આ બસ બસ અમદાવાદથી નળસરોવર વચ્ચે દોડતી હોવાનું બોર્ડ પરથી લાગી રહ્યું છે.

બીજી તરફ અમદાવાદ ખાતે એએમટીએસ અને બીઆરટીએસની સેવા ચાલુ જ રહી છે. અમદાવાદ ખાતે બંધ કરાવવા નીકળે તે પહેલા જ કાૅંગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત તો અમુકને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. આ દરમિયાન એનએસયુઆઈ તરફથી યુનિવર્સિટી ચાર રસ્તા પાસે આવેલી પાસપોર્ટ ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અહીં ટાયર સળગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ દરમિયાન કાર્યકરોએ બીઆરટીએસની ત્રણ બસોની ચાવી કાઢી લીધી હતી. જે બાદમાં પ્રવાસીઓએ ડ્રાઇવરની સીટ પરથી કૂદીને નીચે ઉતાર્યાં હતાં. એનએસયુઆઈના કાર્યકરો ચાવી લઈને ભાગી જતાં ત્રણેય બસના મુસાફરો અટવાયા હતા.

કેન્દ્રના કૃષિ કાયદાઓની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંઘોએ મંગળવારે રાષ્ટ્રવ્યાપી બંધને કાૅંગ્રેસ સહિત વિભિન્ન વિપક્ષી પાર્ટીઓ અને ટ્રેડ યુનિયનો ઉપરાંત કેટલાક મજુર સંઘોનું પણ સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેના પગલે ગુજરાત કાૅંગ્રેસ વહેલી સવારથી જ જાહેર રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત – રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આવતા જતા તમામ વાહનોને ત્યાં તહેનાત પોલીસ જવાનો તપાસી રહ્યાં છે. રાજસ્થાનમાં બંધના સમર્થનને પગલે બોર્ડર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શામળાજી-રતનપુર બોર્ડર પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.