Western Times News

Gujarati News

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડતા રાહત

અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકોને વરસાદ પડતા ગરમીથી રાહત થઈ હતી. વરસાદ પડતા વાતાવરણમાં ઠડક પ્રસરી હતી. આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેમાં અનેક વિસ્તારોમાં તો રવિવાર રાત્રીના ગાળામાં જ વરસાદ પડતા લોકોને રાહત થઈ હતી. આજે અમદાવાદ શહેરમાં બે કલાકમાં સરખેજમાં ૨૦.૫૦ મીમી, બોડકદેવમાં ૧૧.૫૦, મણિનગરમાં ૯.૫૦, દુધેશ્વર, ચકુડિયામાં ૮.૫૦ અને વટવા, પાલડી, ઉસ્માનપુરા, દાણાપીઠમાં ૭.૫૦ મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે વાસણા બેરેજનું લેવલ ૧૩૨.૫૦ ફુટ નોંધવામાં આવ્યું છે.

નર્મદા કેનાલમાં ૫૯૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને કેનાલમાં ૯૧૦ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. પાણીની સપાટી વધતા વાસણા બેરેજના બે દરવાજા ૨.૫ ફુટ ખોલવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના સેટેલાઈટ, ઘાટલોડિયા, નારણપુરા, ચાંદલોડિયા, એસજી હાઈવે, પાલડી, રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામને કરવો પડ્યો હતો.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ગેરહાજરીથી ગરમી અને બફારાથી લોકો હેરાન થઈ રહ્યા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતની સાથે અરબી સમુદ્રમાં અપરએપ સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે. આગામી ત્રણ દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ પડવાથી લોકોમાં આનંદ જાવા મળ્યો હતો. લોકોએ વરસાદમાં પલડવાની મજા પણ માણી હતી. વરસાદ પડવાથી લોકોને ગરમીથી રાહત મળી છે.

ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. હવામાન વિભાગ તરફથી પહેલા જ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો પણ તહેનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય  થતાં તમામ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ પર વેલ માર્ક લા પ્રેશર સક્રિય થયું છે. બીજી તરફ પહેલાથી જ સોઇક્લોનિક સક્યુલેશન સક્રિય છે. આ રીતે ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ૧૮.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હતુ અને ૧૨ ઇંચ વરસાદ વરસ્યો હતો.

આજે વહેલી સવારથી અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે સવારે વરસાદ શરૂ થવાથી ઓફિસ જવા નીકળેલા લોકોનું શિડ્યુલ ખોરવાયું હતું. બીજી તરફ વરસાદની સાથે પવન ન હોવાથી અને ધીમેધારે વરસાદ પડી રહ્યો હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. સોમવારે સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન ગુજરાતના ૧૨૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અમરેલીના જાફરાબાદમાં સૌથી વધારે બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કાલાવડમાં પણ આશરે બે ઇંચ વરસાદ ખાબક્યો છે.

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કેશોદના બામણાસા ગામે સાબલી નદીનો પુલ ધરાશાયી થયો છે. પુલ ધરાશાયી થવાનો વીડિયો વાયરલ થયો છે. તો પુલ ધરાશાયી થતા બામણાસાથી કેશોદ જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. ગામલોકો ૨ વર્ષથી પુલ બનાવવાની માગ કરી રહ્યાં છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ પર વેલ માર્ક લો પ્રેશર સક્રિય થયું છે. સાયક્લોનીક સર્ક્યૂલેશન પણ સક્રિય થયું છે. બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.