અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા
ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી- રાણીપ, ચાંદખેડા, મોટેરા, વાડજ, ઓઢવ, સીટીએમ, બોપલ, એસજી હાઈવે, વસ્ત્રાપુર વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદ, શહેરમાં શનિવાર મોડી રાતથી સૌર સુધી વરસાદ પડી રહ્યો છે. સવારે ૮ વાગ્યે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. જેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સરસપુર વિસ્તારમાં ગટરના પાણી બેક મારવા લાગ્યા હતા.
ગટરના પાણી ઉભરાઈ ગયા હતા અને બેક મારવા લાગતા પાણી લોકોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઇ ગઈ હતી. સવારથી પાણી ભરાયા હોવા છતાં કોર્પોરેશનનું તંત્ર કામગીરી માટે પહોંચ્યું નથી. ગટરો બેક મારવાની સમસ્યા કેચપીટ સાફ ન કરી હોવાના કારણે સર્જાઈ છે. સરસપુરના રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. લાંબા સમયના વિરામ બાદ શહેરમાં ગઈકાલે મોડી રાતથી પડી રહેલા ઝરમર વરસાદ બાદ શહેરમાં વરસાદનું જોર વધ્યું હતું.
છેલ્લા ચાર કલાકમાં શહેરમાં ૧ જેટલો ઇંચ વરસાદ પડ્યો છે. રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઉસ્માનપુરા, વાડજ, ઓઢવ, મેમકો, નરોડા, સૈજપુર, સરખેજ, એસજી હાઇવે વગેરે વિસ્તારમાં ૧ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.અમદાવાદમાં સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીમાં એક જેટલો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ 5″ વરસાદ વરસ્યો છે.
શનિવાર રાતથી બોપલ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, વૈષ્ણદેવી સર્કલ, રાણીપ,ચાંદખેડા, મોટેરા, સાબરમતી, દુધેશ્વર, રખિયાલ, ઓઢવ, શાહીબાગ, મણિનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.શહેરના સીટીએમ, બોલપ, એસજી હાઈવે વસ્ત્રાપુરમાં આવેલા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાથી વાહનચાલકો માટે મોટી સમસ્યા ઉભી થઈ છે. ત્યારે શહેરની સાબરમતી નદીમાં વરસાદી પાણી સાથે કેમિકલનું પાણી પણ ફેકટરી માલિકોએ છોડ્યું હોવાની ફરિયાદો સામે આવી છે.
જેથી નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિકોએ વરસાદી પાણીની સાથે કેમિકલના પાણીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં ગઈકાલે(શનિવાર) રાતથી સામાન્ય વરસાદની શરૂઆત થઈ હતી. શહેરમાં સતત વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે. ત્યારે હજુ પણ શહેરમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. SSS