અમદાવાદમાં ચોરી કરતી મહિલાઓની ‘ચાદર ગેંગ’ સક્રિય
જમાલપુરમાં ત્રાટકેલી મહિલા ગેંગે ચોરી કરતા સનસનાટી : ચાદર ગેંગમાં આરોપી મહિલાઓ નાના બાળકની મદદથી ચોરી કરતી હોવાના સીસીટીવી કુટેજ મળી આવ્યા : મહિલાનો મહિનાનો પગાર તથા મહત્વના ડોક્યુમેન્ટ ચોરાયા |
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટફાટ કરતી ગેંગો સક્રિય બની ગઈ છે અને રોજ નવી તરકીબો અજમાવી નાગરિકોની લૂંટી રહી છે શહેરમાં એકસીડેન્ટ કર્યો છે તેવુ કહી સામાન્ય નાગરિકોને લૂંટતી ગેંગનો આંતક દિવસેને દિવસે વધવા લાગ્યો છે ચોંકાવનારી બાબત એ છે કે આ ગેંગમાં મહિલા પણ સામેલ હોવાથી સામાન્ય નાગરિકોને શંકા નથી જતી હોતી આ પરિસ્થિતિ વચ્ચે શહેરમાં હવે ચોરી કરતી ચાદર ગેંગ સક્રિય બની છે.
આ ગેંગમાં માત્ર મહિલાઓ જ હોય છે અને ચોરી કરવા માટે બાળકોનો ઉપયોગ કરે છે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી એક પેથોલોજી લેબોરેટરીમાં ગઈકાલે ચાદર ગેંગની મહિલાઓ ત્રાટકી હતી અને નાના બાળકની મદદથી લેબોરેટરીમાં કામ કરતી મહિલાનું પર્સ ચોરી કરી ગેંગ ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે આ મહિલાએ પોતાનો મહિનાનો પગાર પર્સમાં રાખ્યો હતો જેની ચોરી થઈ જતાં તે માનસિક રીતે પડી ભાંગી છે આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરમાં રોજ નવી ગેંગો સક્રિય બની રહી છે અને કથળતી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કારણે પોલીસ કામગીરી પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના જમાલપુર વિસ્તારમાં પથ્થરવાળી મસ્જીદ પાસે એક ચોંકાવનારી ઘટના ઘટી છે ફરિયાદી મહિલા શાહીન અસલમભાઈ લાકડાવાલા છેલ્લા ઘણા વર્ષોથી જમાલપુર પથ્થરવાળી મસ્જીદ પાસે અવોલી કેર પેથોલોજીક લેબોરેટરીમાં નોકરી કરે છે અને તેનો પતિ અસલમભાઈ લાકડાનો ધંધો કરે છે.
લેબોરેટરીમાં શાહીનને દર મહિને ૬ તારીખે પગાર થઈ જાય છે અને નિત્યક્રમ મુજબ આ વખતે પણ ૬ તારીખે તેનો પગાર થયો હતો આ પગારના રૂપિયા ૧૪,પ૦૦ તેણે પોતાના પાકિટમાં રાખ્યા હતા દરમિયાનમાં બીજે દિવસે ગઈકાલ રવિવારના રોજ નિત્યક્રમ મુજબ સવારે ૭.૧પ થી ૭.૩૦ની વચ્ચે લેબોરેટરી પર પહોંચી હતી સવારના ૮.૦૦ વાગ્યાની આસપાસ અચાનક જ ત્રણ મહિલાઓ પોતાના શરીર પર ચાદર ઓઢીને લેબમાં પ્રવેશી હતી શંકાસ્પદ હિલચાલથી સાહીને તમામ મહિલાઓની પુછપરછ કરી હતી પરંતુ અવનવુ બાનુ કાઢી તેઓ શાહીન સાથે વાતચીત કરવા લાગ્યા હતા આ ત્રણેય મહિલાઓ સાથે એક નાનુ બાળક પણ હતું જેની અંદાજે ઉંમર પ વર્ષની હશે..
મહીલાઓ સાહીન જાડે વાત કરતી હતી તે દરમિયાન એક મહિલાએ ઓઢેલી ચાદરમાંથી આ બાળક બહાર આવ્યો હતો અને શાહીનની નજર ચુકવી તેની ખુરશી નીચેથી બાજુ પર ગયો હતો અને ત્યાં મુકેલુ શાહીનનું પર્સ ચોરી કરી લીધુ હતું આ મહિલાઓ પાસે અન્ય એક ૭ થી ૮ મહિનાનું બાળક પણ હતું વાતચીત દરમિયાન ચાદર ઓઢીને આવેલી આ મહિલાઓએ ઉપર મેડમને મળવા જવુ છે તેવુ કહી સીડી ચડવા લાગી હતી પરંતુ શાહીને તમામને અટકાવી હતી અને બહાર જવા જણાવ્યું હતું આ વાતચીત દરમિયાન બાળકને પર્સ ચોરી લીધું હતું.
આ પાકિટમાં પગારના રૂ.૧૪,પ૦૦ મળી કુલ રૂ.૧૭ હજાર રોકડા પડયા હતા આ ઉપરાંત એસબીઆઈ બેંકનું એટીએમ કાર્ડ અને આધારકાર્ડ પણ હતાં આ તમામની ચોરી થઈ ગઈ હતી ત્રણેય મહિલાઓ ગણતરીની મીનીટોમાં જ લેબની બહાર જતી રહી હતી બીજીબાજુ શાહીને ટેબલના ખાનામાં તપાસ કરતા તેનું પર્સ જાવા મળ્યુ ન હતું જેના પરિણામે તેણે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ તે પહેલાં જ ચાદર ગેંગની ત્રણેય મહિલાઓ બાળકો સાથે ફરાર થઈ ગઈ હતી આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે.
બીજીબાજુ ઘટનાની જાણ થતાં લેબોરેટરીના શેઠ રઉફભાઈ તથા શાહીનના પતિ અસલમભાઈ પણ આવી પહોંચ્યા હતા અને આ અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચી જઈ ફરિયાદ નોંધાવતા શહેરમાં સક્રિય બનેલી ચાદર ગેંગથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ સબ ઈન્સ્પેકટર પ્રતાપભાઈ અસારીને સોંપવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર આવી પહોચી હતી અને લેબોરેટરીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવ્યા હતા.
સીસીટીવી કુટેજમાં ત્રણ મહિલાઓ ચાદર ઓઢીને લેબમાં પ્રવેશતી જાવા મળી રહી છે અને તેઓની સાથેનુ પાંચ વર્ષનું બાળક ખૂબજ ચાલાકીથી આ મહિલાનું પર્સ ચોરી કરતુ જાવા મળી રહયું છે પોલીસે તાત્કાલિક ચાદર ગેંગની મહિલાઓને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.