અમદાવાદમાં “મેયર બીજલબેન પટેલ” અને “વિજય નહેરા માર્ગ” કયાં આવ્યા !
પાકકા અમદાવાદી છો તો શોધો : ઓનેરીયમ વિના કોર્પોરેટરો પણ કામ કરતા નથીઃ દિનેશ શર્મા : ૩પ વર્ષ જુની વરસાદી લાઈનો ને રીહેબીલીટ કરશેઃ બદરૂદ્દીન શેખ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદના નાગરીકો માટે રોડ અને રોગચાળો શિરદર્દ બની ગયા છે. મ્યુનિ.વહીટીતંત્ર અને શાસકોની બેદરકારી ના પરીણામે દર વર્ષે ચોમાસામાં તૂટેલા રોડ અને રોગચાળાની સાયકલ જાવા મળે છે. તેમ છતાં શહેરીજનો હરફ શુધ્ધા ઉચ્ચાર કરતા નથી ! પરંતુ ચાલુ વર્ષે તૂટેલા રોડ મુદ્દે અલગ ચિત્ર જાવા મળ્યું છે. તથા ટ્રાફિક મેમા સામે નાગરીકોએ પણ “રોડ મેમો” આપ્યા છે.
જયારે કેટલાક નાગરીકોએ ક્રોધિત થઈ વધુ તૂટેલા રોડને મેયર કે કમીશ્નરના નામ પણ આપ્યા છે. કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ સીકયોરીટી કોન્ટ્રાકટમાં જે તે કોન્ટ્રાકટરો એ “વિનામૂલ્યે” કામ કરવાની જવાબદારી સ્વીકારી છે. પરંતુ કોર્પોરેટરો પણ “ઓનિરીયમ” વિના બોર્ડમાં હાજરી આપતા નથી. આ પ્રકારના કટાક્ષ કોંગ્રેસપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશનની સોમવારે મળેલી માસિક સામાન્ય સભામાં કોગી કોર્પોરેટર શાહનવાઝ શેખે તૂટેલા રોડ-રસ્તા મુદ્દે ચર્ચા કરતા જણાવ્યું હતું કે દર વર્ષે વરસાદ આવે છે. અને રોડ તૂટે છે. આ પ્રક્રિયા કાયમી બની ગઈ છે. જે ચૂંટાયેલી પાંખ માટે શરમજનક છે. રોડ-રસ્તાની ખરાબ પરિસ્થિતિથી નાગરીકો પણ ત્રસ્ત થઈ ગયા છે.
અલગ-અલગ વિસ્તારોમાંથી વ્હોટસ-અપ પર તૂટેલા રોડ ના ફોટા મંગાવ્યા હતા. જેમાં પાલડીના નાગરીકે તૂટેલા રોડને “મેયર બીજલબેન પટેલ” નામ આપ્યું હતું. જયારે લો-ગાર્ડન વિસ્તારના તૂટેલા રોડને “વિજય નહેરા માર્ગ” નામ આપીને નાગરીકોએ તેમની વ્યથા ઠાલવી હતી. ચોમાસામાં એકમાત્ર એરપોર્ટ રોડ સિવાય સમગ્ર શહેરના રોડ તૂટે છે.
મ્યુનિ.વહીવટીતંત્ર અને શાસકોએ આ જાદુ હજી સમજમાં આવતો નથી. નામદાર હાઈકોર્ટ દ્વારા તૂટેલા રોડ, પીવાલાયક પાણી તથા અન્ય પ્રાથમીક સુવિધાઓ માટે ટકોર કરવી પડે તે ૧૯ર કોર્પોરેટરો માટે અત્યંત શરમજનક બાબત છે. ચોમાસામાં રોડ તુટવાની સાથે સાથે રોગચાળો પણ કાયમી બની ગયો છે. ડેન્ગ્યુ, ચીકનગુનીયા, કમળો તથા ઝાડા ઉલ્ટી જેવા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે નકકર કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે.
મ્યુનિ. કોર્પોરેશન તથા કોર્પોરેટરો “ઈમ્પલીમેન્ટ એજન્સી”છે.સાંસદ તથા ધારાસભ્ય દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ કે સરકારની વિવિધ યોજનાઓનો અમલ કરવાની જવાબદારી મનપા તથા કોર્પોરેટરો ની છે. પરંતુ દુઃખદ બાબત એ છે કે દર વર્ષે સંસદ ૧૬ દિવસ અને વિધાનસભા ૮૦ દિવસ માટે મળે છે. જયારે મ્યુનિ.બોર્ડ માત્ર ૧ર વખત જ મળે છે. તેથી શહેરીજનોની સુવિધા તથા પ્રશ્નોનો નિરાકરણ માટે મ્યુનિ.બોર્ડ દર મહીને બે વખત મળે તે જરૂરી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ. વિપક્ષીનેતા દિનેશભાઈ શર્માએ સીકયોરીટી કોન્ટ્રાકટ માટે કમીશ્નર અને શાસકો ને આડા હાથે લીધા હતા. તથા “કોર્પોરેટરો પણ ઓનેરીયમ વિના બોર્ડમાં હાજરી આપતા નથી.” ત્યારે કોન્ટ્રાકટરો વિનામૂલ્યે કામ કરે તે બાબત સમજવી મુશ્કેલ છે. મેટમાં સીકયોરીટી કોન્ટ્રાકટ માટે આ જ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી. ત્યારે ડે.મ્યુનિ.કમીશ્નરે “લેબર-લો”નું પાલન થતું નથી.
તેવી રી-માર્ક કરી હતી. તેથી મ્યુનિ. કમીશ્નરે સીકયોરીટી કોન્ટ્રાકટની જવાબદારી હોદેદારોને સોપી હતી. જયારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ કોન્ટ્રાકટમાં પણ “લેબર-લો”નું પાલન થઈ રહયું નથી. તેમ છતાં મ્યુનિ. કમીશ્નર અને શાસકોએ કોન્ટ્રાકટ આપ્યા છે. ર૦૧૭માં તૂટેલા રોડ મામલે વિજીલન્સ તપાસ કરવામાં આવી છે. પરંતુ તે હજી પૂર્ણ થઈ નથી.
મ્યુનિ. કમીશ્નર અને હોદ્દેદારો તેમના મળતિયાઓને બચાવવા ઈચ્છતા હોય તો પણ વાંધો નથી પરંતુ સમયસર વિજિલનસ તપાસનો અહેવાલ જાહેર થાય તે જરૂરી છે. મ્યુનિ.કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા બદરૂદીન શેખે વરસાદી પાણીના નિકાલ અંગે ચિંતા વ્યકત કરી હતી. બદરૂદીન શેખના જણાવ્યા મુજબ રપ૦૦ કીલોમીટરના રોડ પર માત્ર ૯પ૦ કીલોમીટરની સ્ટ્રોમ લાઈન છે.
જે માંડ ૩૦ ટકા છે. સ્ટ્રોમ લાઈનમાં અનેક પ્રકારના અનઅધિકૃત જાડાણો પણ થઈ ગયા છે. તેથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. નરોડાથી નારોલ સુધી વરસાદી પાણીની અને અન્ય લાઈનો ૩પ વર્ષ કરતા પણ વધુ જુની છે. જેના ડીશીલ્ટીંગ માટે દર વર્ષે લાખો રૂપિયા ખર્ચ થાય છે.
પરંતુ પરીણામ શૂન્ય છે. વરસાદી લાઈનોમાં કેમીકલયુકત પાણી છોડવામાં આવે છે. તેથી લાઈનો પણ તૂટી ગઈ છે. આ તમામ લાઈનોને રીહેબીલેટ કરવાની જરૂર છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.