અમદાવાદમાં મોજશોખ માટે વાહન ચોરી કરતો યુવક ઝડપાયો
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં અલગ અલગ વાહનોની ચોરી કરતા યુવકની રામોલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનાં ૧૯ ટુ-વ્હીલર જપ્ત કર્યા છે. આરોપી યુવક પ્રકાશ લખતરિયા વસ્ત્રાલમાં રહીને પ્લમ્બિંગનું કામ કરતો હતો. બાદમાં તે ચોરાના રવાડે ચડી ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવકના નામે અગાઉ કોઈ ગુનો નોંધાયો નથી. તે મોજશોખ માટે વાહનોની ચોરી કરતો હતો.
આરોપીએ રામોલમાંથી ૧૩, નિકોલમાંથી ૨ તેમજ ઓઢવમાંથી એક ટુ-વ્હીલરની ચોરી કરી હતી. વાહન ચોરી કર્યા બાદ તમામ વાહનોને વસ્ત્રાલના નૈયા પેરેડાઈઝ પાસેના ર્પાકિંગમાં તેમજ અન્ય વાહનો કોર્પોરેશનના તળાવના ર્પાકિંગમાં મૂકતો હતો.
આરોપી ચોરીનું એક એક્ટિવા વેચવા જતા પકડાઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના તમામ વાહનો કબ્જે કર્યા હતા. આરોપી ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો, જે ગાડીનો લોક ખુલી જાય તેને લઈને નીકળી જતો હતો. રામોલ પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીના આધારે આરોપીને વાહન વેચતા પહેલા જ ઝડપીને ૧૮ ગુનાઓ ડિટેક્ટ કરીને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી. આ મામલે આઈ ડિવિઝનના એસીપી એન.એલ.દેસાઈએ જણાવ્યું હતું કે, આરોપી મોજશોખ પૂરા કરવા માટે ગુના આચરતો હતો. તેના પર અગાઉ કોઈ ગુના નોંધાયા નથી.