અમદાવાદમાં મોબાઇલ ટાવરનાં ભાડાની લાલચ આપીને ૧૩.૪૮ લાખ પડાવ્યાં
અમદાવાદ: શહેરમાં અનેક શાળા કોલેજો કે ઊંચા ટાવરો પર ટેલિકોમ કંપની દ્વારા મોબાઇલ ટાવર લગાવવામાં આવે છે. આ ટાવર લગાવ્યા બાદ કંપનીઓ ભાડું પણ આપતી હોય છે. કાડિયાના એક વેપારીને અજાણ્યા શખ્સોએ આવી જ એક લોભામણી લાલચ આપી હતી. આ લાલચમાં આવી જનાર વેપારીએ ૧૩.૪૮ લાખ રૂપિયા ગુમાવતા હવે ખાડિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
નારણપુરામાં આવેલી શિવાનંદ સોસાયટીમાં રહેતા યોગેશભાઇ પટેલ ખાડિયામાં ગુજરાત બુક એજન્સી પ્રા. લિ ધરાવી બિઝનેસ કરે છે. ત્રણ માળનાં મકાનમાં પુસ્તકનો ધંધો કરનારા યોગેશભાઇને વર્ષ ૨૦૧૮માં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આ શખ્સોએ યોગેશભાઇને તેમના ત્રણ માળનાં મકાન પર ખાનગી ટેલિકોમ કંપની દ્વારા મોબાઇલ ટાવર નાંખવાની વાત કરી હતી. વેપારી યોગેશભાઇએ આ વાત સાંભળી અને તેમને દર મહિને સારૂં ભાડુ પણ આપવામાં આવશે
તેવી લાલચ અપાઇ હતી. જેથી તેમણે વાત આગળ ચલાવી હતી. આર કે. રાવ નામનાં વ્યક્તિએ તેમની સાથે વાત કરી મહિને ૧.૩૫ લાખ રૂપિયા ભાડુ મળશે તેવી લાલચ આપી હતી. જે બાદમાં જીએસટીનો ચાર્જ તેમને કંપનીમાં જમા કરાવવો પડશે તેમ કહી તેમની પાસેથી આ શખ્સોએ ૧૩.૪૮ લાખ રૂપિયા ટુકડે ટુકડે પડાવી લીધા હતા. બાદમાં આ વ્યક્તિ સાથે સંપર્ક ન થતાં તેમણે હૈદરાબાદ ખાતે તપાસ કરતા આર કે. રાવ નામનો કોઇ વ્યક્તિ ન હોવાનું માલુમ થતાં વેપારી યોગેશભાઇએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઇપીસી ૪૦૬, ૪૨૦ અને આઇટી એક્ટ ૬૬-સી, ૬૬-ડી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.