અમદાવાદમાં યુવકે ATM મશીન ઉપર ઇંટો પછાડી
સીસીટીવીમાં દેખાતા શખ્સ સામે ગુનો નોંધી એક્ટિવાના નંબર અને ફૂટેજ પરથી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ
અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સ એટીએમ સેન્ટર ખાતે ભર બપોરે પહોંચે છે અને બાદમાં ત્યાં મૂકેલા ત્રણેક મશીન પાસે આંટાફેરા મારે છે. બાદમાં બહાર જઈ ઈંટ લઈ ડિપોઝીટ મશીન પર પછાડી નુકસાન પહોંચાડે છે. બ્લેક કેપ અને બ્લેક માસ્ક પહેરીને આવેલો આ શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ચોરી કરવાના ઇરાદે આ શખ્સે આવું કૃત્ય કર્યું કે કેમ તે તેની ધરપકડ બાદ જ માલુમ પડશે. જુહાપુરામાં રહેતા અયાઝ ખાન મન્સૂરી મોતી બેકરી પાસેના બેન્ક ઑફ બરોડા બેંકમાં સીનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ બેંકના એટીએમ સેન્ટર પર એક સિક્યોરિટી ગાર્ડ તહેનાત હોય છે, જે સાંજથી રાત સુધી ડ્યુટી બજાવે છે.
રવિવારના રોજ આ ગાર્ડનો અયાઝ ખાન પર ફોન આવ્યો અને જણાવ્યું કે તે નોકરી પર આવ્યો ત્યારે ડિપોઝીટ મશીનમાં કોઈએ તોડફોડ કરી હોવાનું જણાવ્યું હતું. ત્યાં તેઓએ જઈને જાેયું તો મશીનના કાર્ડ રીડર અને ડિપોઝિટ વિન્ડોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાં ક્રેડિટ ઑફિસરને બોલાવી તપાસ કરાવવામાં આવી હતી. જ્યાં સીસીટીવી જાેતા એક શખ્સ એક્ટિવા પર આવતો હોવાનું દેખાયું હતું. આ શખ્સ એટીએમ સેન્ટરમાં આવે છે અને બાદમાં આ મશીન પાસે આંટાફેરા મારી બહાર જાય છે અને ઈંટ લઈ આવી મશીન પર પછાડે છે. લૂંટ કે ચોરી કરવાના ઇરાદે શખ્સે આ હરકત કરતા વેજલપુર પોલીસને જાણ કરાઈ હતી.
વેજલપુર પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજમાં દેખાતા શખ્સ સામે ગુનો નોંધી એક્ટિવાના નંબર અને ફૂટેજ પરથી આરોપી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. જાેકે, આરોપી જે રીતે આંટાફેરા મારે છે તે ગતિવિધિ પરથી તે ચોરી કરવાના ઇરાદે આ હરકત કરતો હોવાની શંકા સેવાઈ રહી છે. સીસીટીવીમાં જાેવા પ્રમાણે વ્યક્તિ એક ચીઠ્ઠી કાઢી પાકિટમાં મૂકે છે. જેથી કદાચ મશીનમાંથી તેનું કામ ન થયું હોવાથી ગુસ્સામાં આવીને આવું કૃત્ય કર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.