અમદાવાદમાં રક્ષાબંધન ૩૦૦ કરોડની સોના-ચાંદીની રાખડીનું વેચાણ થયું
અમદાવાદ, સરકાર દ્વારા સોનાના દાગીના પર હોલમાર્કની સિસ્ટમ લાગુ કરી ફરજીયાત એચયુઆઈડી સિસ્ટમ લગાવવા કરેલા હુકમના કારણે ગુજરાત સહિત દેશભરમાં સુવર્ણકારોએ સોમવારે હડતાળ પાડવામાં આવી હતી. જાેકે, આ હડતાળ પહેલા અમદાવાદમાં જવેલર્સના વેપારીઓની ધનતેરસ ઉજવાઈ ગઈ છે, સાંભળવામાં થોડી નવાઈ લાગશે પરંતુ અમદાવાદમાં રક્ષા બંધનના તહેવારમાં સૌથી વધુ સોના ચાંદીની રાખડીનું વેચાણ થયું છે. આ વર્ષે અવનવી રાખડીઓ માર્કેટમાં મૂકીને અમદાવાદના વેપારીઓએ ૩૦૦ કરોડનું વેચાણ કર્યું છે.
સોના–ચાંદીના વધતા જતા ભાવોને કારણે અનેક લોકોએ લગ્ન પ્રંસગ માટે આપેલા દાગીનાના ઓર્ડર કેન્સલ કરી દીધા છે. ત્યારે રક્ષાબંધન પર પોતાના ભાઇના કાંડે બાંધેલી રાખડી સામાન્ય કરતા અલગ લાગે તે માટે અમદાવાદમાં બહેનો સ્પેશિયલ ઓર્ડર આપીને સોના–ચાંદીની રાખડી બનાવી હતી. આ અંગે ગ્રાહક શોભનાબેનના કહેવા પ્રમાણે, તેમને આ વર્ષે ભાઈની રક્ષા સાથે કોરોનાના સમયમાં થોડું થોડું ભેગુ થાય એવું વિચારીને ચાંદીની રાખડીની ખરીદી કરી હતી. જેને લઇને તેઓ ખુશ છે.
સોનામાં ૨ ગ્રામથી લઈને ૨૦ ગ્રામ સુધીની રાખડીના ઓર્ડર બજારમાં નોંધાયા છે. જેમાં ચાંદીની રાખડીની કિંમત રૂ. ૭૦૦થી લઈને રુપિયા ૨૧ હજાર સુધીની છે. જ્યારે સોનાની રાખડીની કિંમત રૂ. ૨૫૦૦૦થી શરૂ થાય છે. રક્ષાબંધનના પર્વ પૂર્વે સોના–ચાંદીની બજારમાં ધીમે ધીમે ખરીદી શરૂ થતા વેપારીઓને નવા વેપારની આશા બંધાઈ છે. આ અંગે ઝવેરી કિશોરભાઈ સોનીના કહેવા પ્રમાણે, માર્કેટમાં આ વર્ષે ધૂમ વેચાણ થયું છે જેને લઇને અમદાવાદ ના સોની બજારમાં ખુશી છે. અમદાવાદમાં ૩૦૦ કરોડની આસપાસનો બિઝનેસ થયો છે જે સોનીઓ માટેની દિવાળી છે
આ વખતે વર્ટિકલ ચેઈન, પલ ચેઈન અને લાઈટ વેઈટ રાખડી હાલ મહિલાઓનું ધ્યાન ખેંચી રહી હતી. જેને કારણે અમદાવાદના સોના–ચાંદીના કારીગરોને રોજીરોટી મળવાનું શરૂ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે, આ વર્ષે આવેલા ચાંદીના રશિયન બેલ્ટનું વેચાણ પણ ધૂમ થયું છે. જેનો ભાવ ૩૫૦૦થી શરૂ થતો હતો.HS