અમદાવાદમાં રવિવારનો આખો દિવસ ઝરમર વરસાદ રહ્યો
અમદાવાદ શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. શનિવારે સાંજે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રવિવારે સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. શહેરના એસ.જી હાઈવે, બોપલ, ઈસનપુર, ઘોડાસર, વસ્ત્રાલ તથા ઓઢવ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ઝરમર વરસાદને કારણે રવિવારના દિવસે બહાર ફરવા જતાં લોકોની રજા બગાડી હતી.
જ્યારે ગઈકાલે સાંજે પણ શહેરમાં મોડી સાંજે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. જેમાં સૌથી વધુ બોડકદેવ અને સાયન્સ સિટી વિસ્તારમાં બે ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. સતત અડધો કલાક સુધી પડેલા વરસાદના કારણે વિસ્તારમાં કેટલાક સ્થળો ઉપર પાણી ભરાયા હતાં.
ગુજરાતમાં શનિવારે રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં તો ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. જાેકે રાજ્યમાં હજી પણ ૮થી ૧૦ ટકા જેટલી ઘટ છે અને કુલ સીઝનનો ૩૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો તેવી જ રીતે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, રાધનપુરમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી.