અમદાવાદમાં રસ્તાઓ ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
અમદાવાદમાં વરસાદ બાદ તંત્રની પોલ ખુલી
અમદાવાદ, અમદાવાદમાં શનિવાર રાતથી જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સવારના ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી એવરેજ ૩૬ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં પૂર્વ વિસ્તારના ઓઢવમાં ૩૪ મિમી જ્યારે વિરાટનગરમાં ૩૩ મિમી વરસાદ ખાબક્યો. હતો.
શહેરના પૂર્વના પટ્ટામાં ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ તથા બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ તંત્રની પોલ ખુલી ગઈ હતી. મોટાભાગના વિસ્તારોમાં રોડ ધોવાઈ જતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના વસ્ત્રાલમાં વિસ્તારમાં આરપીએફ કેમ્પ પાસે આવેલા રીંગ રોડનો રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો હતો.
આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોપલમાં પણ કેટલીક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. સ્ટર્લિગ સીટી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીની પાઈપ લાઈન નાંખવાનું કામ ચાલતું હોવાથી વાહન ચાલકો માટે ખોદકામ કરાયેલા રસ્તાઓ જોખમી બન્યા છે. આ વિસ્તારમાં રેલવે લાઈનની નજીક તાજ હોટલથી ડીપીએસ જવાના રસ્તા પર સ્કાય વન એપાર્ટમેન્ટ નજીક ખાડા પડી જતાં ટુ વ્હીલર પર જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાય છે.
જેના કારણે ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ઓઢવ, નિકોલ, ગોમતીપુર તથા બાપુનગરમાં પણ મોટાભાગના રોડ વરસાદમાં તૂટી ગયા હતા. એવામાં આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેવો ડર વાહન ચાલકોમાં જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે દરવર્ષે ચોમાસા દરમિયાન અમદાવાદમાં ખાડારાજ જોવા મળતું હોય છે. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં લોકોના જીવ જોખમમાં મૂકાતા હોય છે. રહીશો ઘણીવાર ફરિયાદ કરતા હોય છે પરંતુ દરવર્ષે સ્થિતિ જેમની તેમ જ રહે છે.