Western Times News

Gujarati News

અમદાવાદમાં રૂ.૩પ૦ કરોડના ખર્ચથી નવા ૭ આઈકોનીક રોડ તૈયાર થશે

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ પ્રવેશદ્વારોને આકર્ષક બનાવવા માટે ઘણા વર્ષોથી જાહેરાત કરવામાં આવતી હતી. એરપોર્ટ સર્કલથી ઈન્દીરાબ્રીજ સુધી આઈકોનીક રોડ બનાવી તેનો અમલ કરવામાં આવ્યો છે સદર રોડની સુંદરતા અને ઉત્તમ ટેકનોલોજીની પ્રશંસા થયા બાદ કોર્પોરેશન દ્વારા વધુ ૭ આઈકોનીક રોડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અગાઉના આઈકોનીક રોડ માફક પીપીપી મોડલનો ઉપયોગ કરવામાં આવશે નહી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં રોડની ટેકનોલોજી અને ગુણવત્તા મામલે બે થી ત્રણ નવા પ્રયોગ કરવામાં આવ્યા છે જેમાં તેને સફળતા પણ મળી છે. ખાસ કરીને વ્હાઈટ ટોપીગ રોડ અને આઈકોનીક રોડ તૈયાર થયા બાદ સત્તાધીશો અને વહીવટીતંત્રની હિંમતમાં વધારો થયો છે. તેથી તંત્ર દ્વારા વધુ ૭ આઈકોનીક રોડ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

અહીં નોંધનીય બાબત એ છે કે શહેરના પ્રવેશદ્વાર ઉપરાંત મુખ્ય વિસ્તારોમાં પણ આઈકોનીક રોડ તૈયાર કરવામાં આવશે. જેના માટે અંદાજે રૂ.૩પ૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. શહેરની આગવી ઓળખ સમાન આશ્રમ રોડ પર પણ અંદાજે પ કી.મી. લંબાઈનો આઈકોનીક રોડ તૈયાર થશે. જેનું કામ પૂર્ણ થયા બાદ આશ્રમ રોડ અને અમદાવાદની રોનકમાં વધારો થશે.

મ્યુનિ. સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નવા તૈયાર થનાર આઈકોનીક રોડ પર ફુટપાથ, સર્કલ, ગાર્ડન, પા‹કગ, બસ સ્ટોપ વગેરે ડેવલોપ કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટ્રલ વર્ઝ માટે પ્રિકાસ્ટ કર્બ્વ ફીકસીંગ, ફુટપાથ તથા સેન્ટ્રલવર્ઝમાં પ્લાન્ટેશન, સાઈનેજ બોર્ડ, વોટર બોડી ડેવલપમેન્ટ, સ્ટ્રીટ લાઈટ, ટ્રાફિક લાઈટ વગેરે ડેવલપ કરવામાં આવશે.

આ આઈકોનીક રોડના મેઈન્ટેન્સ કોર્પોરેશન દ્વારા જ કરવામાં આવશે તેમજ જાહેરાતના ૧૦૦ટકા હક કોર્પોરેશન પાસે જ રહેશે. અહીં પીપીપી મોડેલ રાખવામાં આવ્યું નથી. આઈકોનીક રોડ ડેવલપ કરતા પહેલા મ્યુનિ. બગીચા વિભાગ, સ્ટ્રીટ લાઈટ વિભાગ, એસ્ટેટ, એન્જીનીયરીંગ, સ્માર્ટ સીટી વગેરે વિભાગ સાથે સંકલન કરી અંડરગ્રાઉન્ડ યુટીલીટી સીફટ કરવામાં આવશે તેમજ અન્ય જરૂરી સુધારા પણ કરાશે.

ઉપરાંત ટોરેન્ટ, અદાણી ગેસ, ટાટા, એરટેલ જેવી ગેસ અને ટેલીકોમ કંપનીઓ સાથે કોર્ડીનેશન કરી લાઈનો સીફટ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.