અમદાવાદમાં રેસિડેન્શિયલ માંગ અને પુરવઠામાં ત્રિમાસિક ધોરણે અનુક્રમે 3.3 ટકા અને 3.2 ટકાનો વધારો
રિયલ એસ્ટેટ માર્કેટને વધુ બળ આપતાં રાજ્ય સરકારે ગોધાવી-મનીપુરમાં ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમની જાહેરાત કરી છે તેમજ ગોતા, બોપલ-આંબલી અને શેલામાં ગગનચુંબી ઇમારતોના બાંધકામને મંજૂરી આપી છે.
મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q1 2022- સરેરાશ હાઉસિંગના ભાવમાં ત્રિમાસિક ધોરણે 2.3 ટકાનો વધારો
અમદાવાદ, વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક (Q3 FY2022-23) ગાળામાં અમદાવાદના રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટે સારું પ્રદર્શન કર્યું છે, જે ત્રિમાસિક ધોરણે માગ (સર્ચ), પુરવઠો (લિસ્ટિંગ્સ) અને કિંમતમાં અનુક્રમે 3.3 ટકા, 3.2 ટકા અને 1.4 ટકા સાથે આગેકૂચનું વલણ દર્શાવે છે, તેમ મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q1 2022માં જોવા મળ્યું છે.
આ અહેવાલમાં જણાયું છે કે 2 અને 3 બીએચએક કન્ફિગરેશન કુલ માગના 72 ટકા અને કુલ પુરવઠાના 71 ટકા હિસ્સો ધરાવે છે તેમજ ઘર ખરીદદારો સારી માળખાકીય સુવિધાઓ ધરાવતા વિસ્તારો શોધી રહ્યાં છે. આ ઉપરાંત અન્ડર કન્સ્ટ્રક્શન (યુસી) સેગમેન્ટના ભાવ ત્રિમાસિક ધોરણે 1.6 ટકા વધ્યાં છે, જ્યારે કે રેડી-ટુ-મૂવ સેગમેન્ટના ભાવ ત્રિમાસિક ધોરણે 2.1 ટકા વધ્યાં છે.
એફોર્ડેબલ સેગમેન્ટ (પ્રતિ ચોરસફૂટ રૂ. 5,000થી નીચે) શહેરમાં કુલ માગમાં 66 ટકા હિસ્સો ધરાવે છે તેમજ ઘર ખરીદદારો અને ડેવલપર્સ વચ્ચે શહેરમાં ઉત્તર અને પશ્ચિમી વિસ્તારોની લોકપ્રિયતા વધી રહી છે. નરોડા, નિકોલ, ગોતા, શેલા અને વટવા (આ કેટેગરી હેઠળના)
જેવાં વિસ્તારોમાં રેસિડન્શિયલ ભાવમાં ત્રિમાસિક ધઓરણે 1.3 ટકા-5.6 ટકા સુધીનો વધારો થયો છે. એમ્પલોયમેન્ટ કેન્દ્રો અને માળખાકીય સુવિધાના ઝડપી વિકાસને કારણે એસજી હાઇવે અને બોપલ માગ અને પુરવઠા બંન્ને માટે ટોચના માઇક્રો-માર્કેટ તરીકે જળવાઇ રહ્યાં છે.
આ ટ્રેન્ડ અંગે પ્રતિક્રિયા આપતાં મેજિકબ્રિક્સના સીઇઓ સુધીર પાઇએ કહ્યું હતું કે, “સમગ્ર ભારતમાં પ્રોજેક્ટ્સની પૂર્ણાહૂતિમાં વધારો, ડેવલપર્સ તરફથી આકર્ષક ઓફર્સ, સહયોગી નીતિઓ તથા રોજગારની તકોમાં સુધારાને કારણે રિયલ-એસ્ટેટ ઉદ્યોગમાં ખરીદદારના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.
વર્તમાન ભુરાજકીય પરિસ્થિતિ સપ્લાય ચેઇન અને ઇનપુટ ખર્ચને અસર કરી રહી છે તેમ છતાં ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા લોંચ અને હોમ લોનના ઐતિહાસિક નીચા દરોને કારણે માગ અને પુરવઠામાં અત્યાર સુધી પ્રાપ્ત ગતિ જળવાઇ રહેશે.”
આ રિપોર્ટમાં વર્ષ 2022માં ભારતમાં રેસિડેન્શિયલ રિયલ-એસ્ટેટ માટેનો અંદાજ વ્યક્ત કરાયો છે, જેમાં જમીનના રેકોર્ડ્સના ડિજિટાઇઝેશન, પીએમ આવાસ યોજના અને પીએમ ગતિ સક્તિ હેઠળ રૂ. 48,000 કરોડની ફાળવણીથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણમાં વધારો થશે તથા માળખાકીય સુવિધાઓ મજબૂત થવાની આશા છે.