Western Times News

Gujarati News

અમદાવાદમાં રોડ શો યોજી ચૂંટણી પ્રચાર શરૂ કરતા મોદી

અમદાવાદ, ૧૦ માર્ચે જાહેર થયેલા પાંચ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ચાર રાજ્યોમાં ભાજપની જીત થઈ છે ત્યારે આ જ વર્ષે ચૂંટણી યોજાવાની છે તેવા ગુજરાતમાં પીએમ મોદીએ આજે વિશાળ રોડ શો કર્યો હતો. પીએમ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે.

તેઓ આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં અમદાવાદ આવી પહોંચ્યા હતા, અને એરપોર્ટ પરથી જ તેમનો રોડ શો શરુ થયો હતો જે કમલમ સુધી ચાલ્યો હતો. પીએમના રોડ શોમાં તેમની સાથે ખૂલ્લી જીપમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ જાેડાયા હતા. પીએમના રોડ શોમાં સામેલ થવા ગુજરાતભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ અમદાવાદ પહોંચ્યા હતા.

ભાજપના દાવા અનુસાર, એરપોર્ટથી કમલમ સુધી યોજાયેલા આ રોડ શોમાં ચાર લાખ લોકો ઉમટી પડ્યા હતા. રુટ પર ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વિધાનસભા બેઠકના નામ સાથે સ્ટેજ પણ ઉભા કરવામાં આવ્યા હતા. પીએમે પણ કાળઝાળ ગરમી હોવા છતાંય ખૂલ્લી જીપમાં જવાનું પસંદ કરીને રોડ શોમાં હાજર રહેલી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.

બે કલાક સુધી ચાલેલા રોડ શો બાદ પીએમ મોદી પક્ષના પ્રદેશ મુખ્યાલય કમલમ પહોંચ્યા હતા, જ્યાં તેમનું નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કમલમ ખાતે જ પીએમના ભોજન ઉપરાંત નેતાઓ સાથે વિશેષ ચર્ચાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

પોતાના બે દિવસના રોકાણ દરમિયાન પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાશે, અને આવતીકાલે દિલ્હી જવા રવાના થશે. તેઓ આજે જીએમડીસી ગ્રાઉન્ડમાં થનારા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ પંચાયતના પ્રમુખ, સભ્યો અને સરપંચો ભાગ લેવાના છે. ગુજરાતમાં પણ હવે ચૂંટણી ખાસ દૂર નથી રહી.

જાે ચૂંટણી સમયસર યોજાય તો ડિસેમ્બરની આસપાસ તેનું આયોજન શક્ય છે. યુપીમાં ભાજપને મોટી જીત મળ્યા બાદ ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાય તેવા કોઈ ચાન્સ નથી લાગી રહ્યા. જાેકે, ભાજપના મોવડી મંડળના મનમાં શું ચાલી રહ્યું છે તે કોઈ નથી જાણતું. તેવામાં પીએમ મોદીએ દેશભરમાં યુપીના પરિણામોની ચર્ચા છે તેવા સમયે જ અમદાવાદમાં ભવ્ય રોડ શો કરીને એક રીતે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પ્રચારનો આરંભ કરી દીધો છે. વળી, તેઓ આજે પંચાયત મહાસંમેલનમાં પણ ઉપસ્થિત રહેવાના છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.