અમદાવાદમાં વિનામૂલ્યે અનાજ વિતરણમાં 70 થી 80 હજાર APL-1 કાર્ડધારકો અનાજ મેળવશે
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે રાજ્યભરમાં લૉકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા NFSA કાર્ડ ધારકોને કરવામાં આવી રહેલા વિનામૂલ્યે અનાજ વિતરણની વિગતો આપતા કહ્યું હતું કે, અમદાવાદ શહેર સિવાય રાજ્યમાં વિનામૂલ્યે અનાજ વિતરણના આજે બીજા દિવસે NFSA કાર્ડ ધરાવતા કાર્ડધારકો જેના રેશનકાર્ડનો છેલ્લો આંક બે છે એવા 16 લાખ લોકો તા. 18 મી મે સુધીમાં સરકારી સસ્તા અનાજની દુકાનો પરથી પોતાના અનાજનો જથ્થો મેળવી લેશે.
જેમાં ગુજરાત સરકાર દ્વારા મે માસમાં વિનામૂલ્યે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ,1 કીલો ચણા અથવા દાળ એમ કુલ- 15 કિલો જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વધારાના 3.5 કિલો ઘઉં તેમજ 1.5 કિલો ચોખા એમ કુલ-20 કિલો અનાજનો જથ્થો આપવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આજથી અમદાવાદ શહેરમાં APL-1 કાર્ડ ધરાવતા મધ્યમ વર્ગના લોકો માટે વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આજે પ્રથમ દિવસે એટલે કે તા. 18મી મેના રોજ જેના રેશનકાર્ડનો છેલ્લો આંક 1 અને 2 છે તેવા મધ્યમ વર્ગના કાર્ડ ધારકો 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ચણા અથવા દાળ એમ કુલ -15 કિલો પુરવઠો કુટુંબ દીઠ વિનામૂલ્યે મેળવશે.
અમદાવાદ શહેરમાં આજે પ્રથમ દિવસે શરૂ થયેલા અનાજ વિતરણમાં APL-1 કાર્ડ ધરાવતા 70 થી 80 હજાર મધ્યમ વર્ગના લોકો વિનામૂલ્યે અનાજનો જથ્થો મેળવશે. અમદાવાદ શહેરમાં ગત એપ્રિલ માસમાં પણ APL-1 કાર્ડ ધરાવતા 4.70 લાખ કુટુંબોએ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લીધો હતો તેમ, પણ મંત્રીશ્રીના સચિવશ્રીએ ઉમેર્યું હતું.