Western Times News

Gujarati News

અમદાવાદમાં શરીર સંબંધી ગુનાઓ વધ્યા, ખુદ પોલીસ કમિશનરની કબૂલાત

Files Photo

અમદાવાદ: અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના અધ્યક્ષસ્થાને મેરેથોન ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં અમદાવાદ શહેર ઈ-ગુજકોપમાં પાછળ હોવાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે જ અમદાવાદમાં ગુનેગારીને ડામવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.

શહેર પોલીસ કમિશનરનો ચાર્જ સાંભળ્યા બાદ સંજય શ્રીવાસ્તવ દ્વારા બીજી વાર ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. અત્યાર સુધીની પહેલી એવી ક્રાઈમ કોન્ફરન્સ બની રહી, જે જગન્નાથ મંદિર પરિસરના હોલમાં યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે તેને કઈ રીતે અટકાવી શકાય તેવા મુદ્દાઓ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ચર્ચા કરી હતી. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યુ કે, મહિલા સુરક્ષા, સાયબર ક્રાઈમ, નાર્કોટિક્સ સહિત મહિલાઓ અને બાળકોની સુરક્ષા સહિતના મુદ્દાઓની ગંભીરતા અંગે અધિકારીઓને માર્ગદર્શન અને સૂચન આપવામાં આવ્યા. ગુજરાત રાજ્યમાં અન્ય શહેરોની સરખામણીએ ઈ-ગુજકોપની કામગીરી બાબતે અમદાવાદ શહેર પોલીસ સૌથી પાછળ જાેવા મળતા તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં શરીર સંબંધી ગુનાઓમાં વધારો થયાની કબૂલાત શહેર પોલીસ કમિશનરે કરી. સાથે જ આ પ્રકારના ગુનાઓમાં જલદીથી ડિટેક્શન થતુ હોવાની વાત પણ ઉમેરી તેમણે કહ્યુ કે, શહેરના પૂર્વ વિસ્તારમાં શરીર સંબંધી અને પશ્વિમ વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓનું પ્રમાણ વધારે છે. આરોપી સામે કાર્યવાહી માટે પોલીસ નિયત મર્યાદામાં ચાર્જશીટ ફાઇલ કરે છે. સ્ત્રી સંબંધી કેસમાં ૬૦ દિવસ અને અન્ય કેસમાં ૯૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે. ધાડ અને લુંટ જેવા કિસ્સાઓમાં શરીર સંબંધી અને મિલકત સંબંધી કેસ હોવાથી લોકોમાં ભય ઉભો થાય છે. જેને ડામવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

ક્રાઈમ કોન્ફરન્સમાં પોસ્કોની કેટલીક બાબતોમાં કયા પ્રકારે કડક કાર્યવાહી થઈ શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત હાલમાં જ શહેરના વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં ૨ કરોડની લૂંટની ઘટના બની છે, ત્યારે શહેરમાં કાયદો વ્યવસ્થા કઈ રીતે જાળવવામાં આવે તે અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અત્યાર સુધી શહેરમાં નોંધાયેલા ગુનાઓમાંથી કેટલા ગુના ડિટેક્ટ અને અનડિટેકટ છે તેની ચર્ચા કરાઇ. અમદાવાદ શહેરને આગામી દિવસોમાં કઈ રીતે સુરક્ષિત બનાવી શકાય તેમજ સમયની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ ગુનાનો ભેદ કઈ રીતે ઉકેલી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.