અમદાવાદમાં શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે ?
અમદાવાદ: શહેરની એપીએમસી (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં શાકભાજીનું સત્તાવાર વેચાણ બંધ થયું છે જેની અસર રસોડાના બજેટ પર પડી છે. જમાલપુર એપીએમસીના વેપારીઓએ જેતલપુરથી વેચાણ શરૂ કર્યું હતું, તેમણે હવે ત્યાં પણ વેપાર બંધ કર્યો છે. જમાલપુર એપીએમસીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહેલી તેટલી જગ્યા ન હોવાથી ઈન્ફેક્શન ફેલાવાના ડરે બંધ કરવામાં આવ્યું હતું. હવે સત્તાવાર વેપાર બંધ છે
ત્યારે ખેડૂતોને પોતાના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળતા નથી અને ફેરિયાઓ શાકભાજીનો પૂરતો જથ્થો ન હોવાનું કહીને ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત વસૂલી રહ્યા છે. એક વેપારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે, ૧લી ઓગસ્ટથી જ જેતલપુર એપીએમસીના પરિસરની બહાર વેચાણ થઈ રહ્યું છે. ૧૮ ઓગસ્ટે કેટલાક સ્થાનિકોએ વેપારીઓને ધમકી આપી હતી અને માગ કરી હતી કે, તેઓ રોડ પર બેસીને વેપાર ના કરે. જે બાદ અમદાવાદ વેજિટેબલ જનરલ કમિશન એજન્ટ કો-ઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારોએ વેપાર બંધ કરવાનો ર્નિણય કર્યો હતો. એક વેપારીએ કહ્યું કે, સત્તાવાર વેપાર થતો ના હોવાથી ખેડૂતો પોતાની ખેતપેદાશો સાથે રિંગ રોડ પર આવીને બેસે છે,
જેના કારણે કેટલાક નાના-નાના અસંગઠિત માર્કેટ ઊભા થયા. આ બજારોમાં દૂધી ૬થી ૧૦ રૂપિયે વેચાતી હતી પરંતુ રિટેલ માર્કેટમાં કિંમત ૮૦ રૂપિયાથી વધુ હતી. તેમણે આગળ કહ્યું, સત્તાવાર વેપાર ના થતો હોવાથી વેપારીઓ મનસ્વી રીતે ભાવ વધારો ઝીંકે છે. પરિણામે રીંગણ જેવું શાક પણ ૧૦૦ રૂપિયે કિલો વેચાતું અને કરિયાણાને લગતી એપમાં રીંગણ ૬૬ રૂપિયે મળતા હતા. અન્ય એક વેપારીએ કહ્યું, “અમે વેપાર માટે કોઈ પણ શરત માનવા તૈયાર છીએ. દાખલા તરીકે રાત્રે ખેડૂતોને બોલાવીએ અને દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોના ફેરિયાઓને બોલાવીએ, તેમને ટાઈમ સ્લોટ આપી દઈએ જેથી તેઓ આવી શકે છે.