અમદાવાદમાં શિક્ષકોનું પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ
અમદાવાદ: વિવિધ પડતર પ્રશ્નોને લઈને ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરાવતા શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. અગાઉ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા શિક્ષકોએ સોશીયલ મીડિયા પર ૧ ઓગસ્ટથી આંદોલન શરૂ કર્યું છે. ૭ ઓગસ્ટ સુધી આ આંદોલન ચાલશે. ત્યાર બાદ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ના શિક્ષકો પડતર પ્રશ્નો જેવા કે સળંગ નોકરી,જૂના શિક્ષકની ભરતી,સાતમા પગાર પંચના હપ્તાની ચુકવણી, આચાર્ય નિમણૂકની ૫-૧-૬૫ના ઠરાવ મુજબ એક ઇજાફો, જૂની પેન્શન યોજનાનું અમલીકરણ કરવામાં આવે તેવી માંગણી કેટલાય સમયથી ચાલી રહી છે. અનેક વખત
રજૂઆત કર્યા છતાં હજુ કોઈ નિવારણ ના આવતા ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
૧ ઓગસ્ટ થી શરૂ થયેલ આંદોલન ૭ ઓગસ્ટ સુધી ચાલશે.આ આંદોલનમાં ૫૦, હજાર જેટલા શિક્ષકો જાેડાશે. રાષ્ટ્રીય શૈક્ષક સંઘના મહામંત્રી આર.પી.પટેલે જણાવ્યું હતું કે ગઈ કાલે.પ્રથમ દિવસે ૫ હજાર કરતા વધુ સેલ્ફી અને પોસ્ટ મળી હતી. ત્યારે આજે ૧૫ હજાર સેલ્ફી મળવાની આશા છે. હજુ ૭ ઓગસ્ટ સુધી આંદોલન ચાલશે. ૭ ઓગસ્ટ અમારી કોર કમિટીની બેઠક મળશે. જેમાં આગામી દિવસોમાં કયાં કાર્યક્રમ કરવા તે અંગે ર્નિણય કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, માંગો પુરી નહીં થતાં શિક્ષકોમાં વ્યાપક રોષ ફેલાયો છે. તેમની લાગણીને જાેતાં આગામી દિવસોમાં મોટી સંખ્યામાં શિક્ષકો પોતાના ફોટોગ્રાફ મોકલશે. તેમણે કહ્યું હતું કે, આંદોલનના પ્રથમ દિવસે જ ખૂબજ મોટી સંખ્યામાં શિક્ષકો જાેડાયા છે. સમગ્ર રાજ્યના ચાર ઝોન અને દરેક જિલ્લામાં કન્વીનરની નિમણૂંક કરવામાં આવી છે. જેના કારણે વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.આંદોલન પછી પણ સરકાર દ્વારા શિક્ષકોને બોલાવવામાં નહીં આવે તો આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.