અમદાવાદમાં સવારે મેઘરાજાએ વિરામ લેતા લોકોને રાહત

Files Photo
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ:છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે કુદરતી એરકન્ડીશન્ડ જેવુ વાતાવરણ સર્જાયુ છે. એક તરફ અસહ્ય બફારા-ઉકળાટથી લોકોને રાહત મળી છે તો બીજી તરફ પરોઢીયે પંખામાં જાણે કે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. દરમ્યાનમાં મંગળવારે સવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે થોડો ઉઘાડ નીકળ્યો હતો અને સૂર્યનારાયણે દર્શન દેતા નાગરીકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદમાં સિઝનનો વરસાદ હજુ પૂરો થયો નથી પરંતુ હવામાન વિભાગનો વર્તારો કહે છે કે અમદાવાદમાં આગામી ત્રણ-ચાર દિવસ મેઘરાજા મહેર કરે એમ લાગે છે.
સૌરાષ્ટ્રમાં તો વધારે વરસાદ પડશે તો લીલા દુકાળની સ્થિતિ સર્જાય એેવ અનુમાન છે. મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ થયો છે. તો ઉત્તર ગુજરાતમાં બે દિવસથી મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. મહેસાણાના કડીમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
અમદાવાદમાં આજે સવારથી મેઘરાજાએ વિરામ લીધો છે. આકાશમાં વાદળો છવાયા હતા. પણ સવારના વરસાદ પડ્યો નહોતો તેમ છતાં હવામાન વિભાગની આગાહી હોવાથી ગમે ત્યારે વરસાદ વરસી શકે તેમ છે. સવારના વાતાવરણ આહ્લાદક હોવાની સાથે સાથે ઠંડો પવન ફૂકાવાથી લોકોને ગરમીથી રાહત મળી હતી.