Western Times News

Gujarati News

અમદાવાદમાં સાબરમતીના તટે ‘નદી મહોત્સવ’ યોજાશે

26 થી 30 ડિસેમ્બર દરમિયાન સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-અધ્યાત્મિકતાની થીમ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગુજરાત સરકારે 26 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર, 2021 દરમિયાન “નદી મહોત્સવ” ઉજવવાનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચાર થીમ – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક  અંગે કાર્યક્રમો યોજાશે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ની થઈ રહેલી ઉજવણી સંદર્ભે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India”થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ જણાવ્યું હતુ કે, નદી મહોત્સવ અંતર્ગત અમદાવાદના સાબરમતી નદીના તટે લોકભાગીદારી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમણે આ મહોતસ્વમાં વધુમાં વધુ લોકોને જોડાવવા અનુરોધ કર્યો હતો.

અહીં નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાતમાં 3 મોટી નદીઓ પર નદી મહોત્સવ ઉજવવાનું આયોજન છે. જેમાં સાબરમતીના તટ પર અમદાવાદ ખાતે, નર્મદા  નદીના તટ પર ગરૂડેશ્વર અને ભરૂચ ખાતે તેમ જ તાપી નદીના તટ પર સુરત ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સફાઈની થીમ અંતર્ગત શ્રમદાન, સ્વચ્છતા પ્રતિજ્ઞા, ડિબેટ, ચિત્ર સ્પર્ધા અને મેરેથોન યોજાશે. જ્યારે દેશભક્તિની થીમ અંતર્ગત સ્થાનિક સ્વાતંત્ર્યવીરોની કથા,યોગ અને ધ્યાનનું આયોજન કરાશે. જ્યારે પ્રકૃતિ-પર્યાવણ અંતર્ગત વૃક્ષારોપણ,નેચર વોક અને જૈવ વૈવિધ્ય સંરક્ષણને લગતા કાર્યક્રમ યોજાશે. ભક્તિ-અદ્યયાત્મિક થીમ અંતર્ગત ઘાટ પર આરતી, દિપોત્સવ, પ્રભાત ફેરી અને મશાલ સરઘસ આયોજીત કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.