અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ઠંડી
અમદાવાદ, હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે સોમવારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી સવાર ગાંધીનગરમાં પડી હતી. અમદાવાદના અમુક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 6.7 ડિગ્રી જેટલું નોંધાયું હતું અને ગાંધીનગરમાં તો 6.2 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ પ્રમુખ હવામાન શાસ્ત્રીએ તાપમાન હજું પણ ઘટીને 5 ડિગ્રી થઈ શકે છે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે.
હવામાન અંગે સેવા આપતી ખાનગી કંપની સ્કાયમેટના અહેવાલ અનુસાર આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે મહારાષ્ટ્ર, વિદર્ભ અને તેલંગાણા સુધી તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગુજરાત અને મુંબઈમાં તાપમાન સામાન્ય કરતાં 6 ડિગ્રી ઘટી ગયું છે. સ્કાયમેટના પ્રમુખ હવામાનશાસ્ત્રી મહેશ પલવતના કહેવા પ્રમાણે
“તાપમાન હજુ ઘટી પાંચ ડિગ્રી થઈ શકે છે અને વર્તમાન ઠંડા પવનની અસર બે થી ત્રણ દિવસ જોવા મળી શકે છે. અમદાવાદ અને ગુજરાતમાં ઠંડી હજુ ત્રણ દિવસ જોવા મળશે.”
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરી એક વખત તાપમાનનો પારો ગગડવાની આગાહી કરવામાં આવી છે જેથી રાજ્યમાં ફરી એક વખત કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. હવામાન વિભાગ દ્વારા 3 દિવસ કોલ્ડ વેવ (શીત લહેર)ની આગાહી કરવામાં આવેલી અને લોકોને તકેદારી રાખવા માટે સલાહ આપવામાં આવી છે.