અમદાવાદમાં ૧૧ મહિનામાં ૪૫૧૫૨ લોકોને ઉંદર,બિલાડીને કૂતરાં કરડયાં
અમદાવાદ, અમદાવાદમાં રોડ ઉપર રખડતા પશુઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશની વચ્ચે શહેરીજનોની સમસ્યાનો અંત દેખાતો નથી.આ વર્ષે ૧૧ મહિનામાં શહેરમાં ૪૫૧૫૨ નાગરિકોને ઉંદર,બિલાડીને કૂતરાં કરડયા હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.મ્યુનિ.તંત્ર દ્વારા ડોગ બાઈટ કે કેટ બાઈટના કેસમાં જેમને કરડયા હોય એમને વિનામૂલ્યે ઈન્જેકશન અપાય છે.જાે કે ખાનગી દવાખાના કે હોસ્પિટલમાં ઈન્જેકશનનો પુરો કોર્સ પુરો કરવા પાછળ પાંચ હજાર સુધીનો ખર્ચ કરવો પડતો હોય છે.
શહેરના રસ્તાઓ ઉપર રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગ તરફથી કાર્યવાહી કરાતી હોય છે.બીજી તરફ કોટ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ઉંદર અને છછૂંદરનો ત્રાસ વધવા પામ્યો છે.આ ઉંદર અને છછૂંદર લોકોને કરડતા હોવાના બનાવ બન્યા હોવાનું બહાર આવવા પામ્યુ છે.ઉપરાંત શહેરના સાત ઝોનમાં બિલાડી તેમજ કૂતરાં કરડવાના બનાવમાં પણ વધારો થવા પામ્યો છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં શહેરના સાત ઝોનમાં ૫૮૯૮ લોકોને વિવિધ પશુઓ કરડયા હોવાના બનાવ બન્યા હતા.એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના કેસ વધતા લોકડાઉન લાગૂ કરવામાં આવ્યુ હતું.આમ છતાં એપ્રિલમાં ૩૦૬૫ અને મે મહિનામાં ૨૫૭૪ લોકોને કૂતરાં કરડવાના બનાવ બનવા પામ્યા હતા.૧૧ મહિનામાં ૪૫૧૫૨ લોકોને પશુ કરડયા છે.
મહત્વની બાબત એ છે કે,કૂતરાં કરડવાના કે બિલાડી બચકુ ભરે એ પ્રકારના કિસ્સામાં હડકવા ના લાગે તે માટે એ.આર.વી.નામના ઈન્જેકશનનો કોર્સ પુરો કરવો જરૃરી બનતો હોય છે.આ કોર્સ પુરો કરવામાં ના આવે તો જેને હડકવા લાગ્યો હોય એનુ મોત પણ થઈ શકે છે.મ્યુનિ.હસ્તકના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને હોસ્પિટલમાં આ ઈન્જેકશન વિનામૂલ્યે આપવામાં આવતા હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.HS