અમદાવાદમાં ૫૦૦ રૂપિયાનું ઓનલાઈન મરચું પરિવારને ૧.૧૬ લાખમાં પડ્યું
અમદાવાદ: નારોલમા રહેતા રમેશભાઈ ભાવસારને ઓનલાઈન ખરીદી આફત લઈને આવી છે. ૯ માર્ચના રોજ રમેશભાઈએ ઓનલાઈન રૂ ૫૦૦નુ એક કિલો લાલ મરચુ મંગાવવાનો ઓર્ડર આપ્યો હતો. ૧૩ માર્ચના રોજ ઘરે મરચુ આવ્યુ પરંતુ એક કિલોના બદલે ૫૦૦ ગ્રામ આવ્યુ હતુ. જેથી એક કિલોના પૈસા લીધા હોવા માટે ૨૫૦ રૂપિયા પરત મેળવવા રમેશભાઈએ ગુગલ સર્ચથી હેલ્પલાઈન નંબર મેળવીને સંપર્ક કર્યો. પરંતુ તેમનો ફોન સાઈબર ક્રિમીનલને લાગ્યો. આ ટોળકીએ પૈસા પરત આપવાના નામે એટીએમનો નંબર અને ઓટીપી મેળવી લીધો અને ત્રણ વખત ટ્રાન્જેકશન કરીને રૂ ૧.૧૬ લાખ ઉપાડીને છેતરપિંડી કરી હતી.
સાઈબર ક્રાઈમથી પરિવાર આઘાતમા છે, તેમની આંખોમા આંસુ છે. કારણ કે ગુનેગારોએ બેન્કમાંથી જે પૈસા કાઢયા હતા તે ભાવસાર પરિવારે બેન્કમાંથી લોન લઈને રાખ્યા હતા. કારણ કે, દીકરાના લગ્ન લેવાના હતા. પરંતુ કોરોનાના લૉકડાઉનમા લગ્ન થઈ શકયા નહતા. બેન્કમા પૈસા સુરક્ષિત રહેશે તેવુ વિચારીને પરિવારે બેન્કના ખાતામા પૈસા જમા રાખ્યા. પંરતુ તેઓને કયા ખબર હતી કે હવે ખાતામા પણ પૈસા સુરક્ષિત નથી. સાયબર ક્રીમીનલ તેમની કમાણી લૂંટી રહયા છે. હવે દીકરાને કેવી રીતે પરણાવશે તે પ્રશ્ન આ પરિવારને સતાવી રહ્યો છે. અને સાયબર ક્રાઈમને પૈસા પરત મળે તેવી આજીજી કરી રહયો છે.
સાયબર ક્રાઇમમાં આવી અનેક અરજીઓ અને ફરિયાદો આવતી હોય છે. ઘણા બધા કેસના ભેદ ઉકેલવામાં પણ આવે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ડેટાનો ઉપયોગ કરવો અને તે ડેટા પરથી ઓનલાઈન શોપિંગ કરાવવાના બહાને ઠગાઈ થતી હોવાનું સામે આવ્યું છે.ભાવસાર પરિવારે છેતરપિંડીને લઈને સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ એની ડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવીને મોબાઈલનો ડેટા મેળવી લે છે. આ પરિવાર પણ સાયબર ગેંગના ચુગંલમા ફસાયો અને ઓનલાઈન ખરીદી નહિ કરવાની તમામને અપીલ કરી રહયો છે. હાલમા સાયબર ક્રાઈમ અને નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે.