અમદાવાદમાં ૭૦ લાખની વસ્તી સામે માત્ર ૧૪ ડેડબોડી વાન
છેલ્લાં છ વર્ષથી કોઈ ખરીદી થઈ નથી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરના વસ્તી અને વ્યાપ વધી રહ્યા છે. પરંતુ તેની સમે સવલતોમાં કોઈ જ વધારો થયો નથી. ૨૦૧૬-૧૭ની સાલમાં મ્યુનિ.હદમાં ભેળવાયેલા વિસ્તારના નાગરિકો હજી પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યાં છે. જ્યારે ડીઝાસ્ટર મેનેજમેન્ટના નામે શૂન્ય છે. નવા વિસ્તારોમાં ફાયર સ્ટેશન તૈયાર થયા છે. પરંતુ સ્ટાફ ક્વાર્ટર તેમજ ફાયર સાધનોની પુરતા સુવિધા નથી. તેવી જ રીતે ફાયર વિભાગમાં પણ ડેડ બોડી વાન (શબ વાહિની) અને એમ્બ્યુલન્સની પણ તીવ્ર તંગી જાેવા મળી રહી છે. જેના કારણે બિમાર વ્યક્તિને દવાખાને લઈ જવામાં કે પછી મૃતકોને અંતિમધામ સુધી પહોંચાડવામાં પણ પારાવાર તકલીફ થઈ રહી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
મ્યુનિસિપલ ફાયર વિભાગમાં વર્ષાેથી સ્ટાફની સમસ્યા જાેવા મળી છે. તેમજ એકજ કર્મચારી પાસેથી અનેક પ્રકારના કામો લેવામાં આવી રહ્યા છે તે બાબત સર્વવિધિ છે. બીજી તરફ વિકાસ અને સ્માર્ટસીટીની વાતો કરનાર સત્તાધીશો છેલ્લા ૦૬ વર્ષથી નવી શબવાહિની અને એમ્બ્યુલન્સની ખરીદી કરી રહ્યા નથી. મ્યુનિસિપલ ફાયર વિભાગ પાસે હાલ ૧૪ શબવાહિની અને ૧૪ એમ્બ્યુલન્સ વાન છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ૧૪ ડેડ બોડી વાન પૈકી દૈનિક સરેરાશ ૪ ડેડ બોડી વાન બ્રેક ડાઉન થયેલ હોય છે. તેથી દસ જેટલી વાનનો જ ઉપયોગ થાય છે. જેની સામે ફાયર કન્ટ્રોલ રૂમ પર રોજ ડેડ બોડી વાન માટે ૭૦થી ૮૦ કોલ આવે છે. સામાન્ય રીતે એક કોલ એટેન્ડ કરવામાં એકથી દોઢ કલાક જેટલો સમય થાય છે. ડેડ બોડી વાન માટે ૯૦ ટકા કોલ સવારે સાતથી બાર વાગ્યા સુધીના સમયમાં આવે છે.
જેના કારણે સમયસર કોલ એટેન્ડ કરવા માટે પારાવાર તકલીફ થઈ રહી છે. તેમ છતાં ફાયર વિભાગ દ્વારા ૧૦૦ ટકા ન્યાય આપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. તેવી જ રીતે એમ્બ્યુલન્સ વાન માટે પણ મુશ્કેલીઓ જ છે. શહેરમાં ૧૦૮ની સેવા ચાલી રહી છે. પરંતુ તેવાં દર્દીને ઘરેથી કે ઘરના સ્થળેથી હોસ્પિટલ સુધી જ લઈ જવામાં આવે છે. જ્યારે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈ જવા માટે ફાયર એમ્બ્યુલન્સનો જ ઉપયોગ થાય છે. ફાયર વિભાગ પાસે હાલ ૧૪ એમ્બ્યુલન્સ છે. જે પૈકી મોટાભાગની ગાડીના આયુષ્ય પુરા થઈ ચૂક્યા છે.
વાર્ષિક રૂા. નવ હજાર કરોડના બજેટમાં નવી ડેડ બોડી વાન કે એમ્બ્યુલન્સની ખરીદી માટે કોઈ જાેગવાઈ થતી નથી તે દુઃખદ બાબત છે. નોંધનીય બાબત એ છે કે દેશભરમાં માત્ર અમદાવાદ ફાયર વિભાગ જ શબવાહિની અને એમ્બ્યુલન્સની સેવા પણ આપે છે. જ્યારે અન્ય રાજ્ય-શહેરોમાં તેની અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. થોડા વર્ષાે પહેલા એમ્બ્યુલન્સ અને ડેડ બોડી વાનની સુવિધા મ્યુનિ.હોસ્પિટલોને સોંપવા માટે ચર્ચા ચાલી હતી પરંતુ તેના કોઈ જ નક્કર પરિણામ આવ્યા ન હતા. તેવી જ રીતે સ્ટાફની અછત હોવા છતાં આ બંને ગાડીમાં ડ્રાયવર સહિતનો સ્ટાફ ફાયર વિભાગનો રહેતો હતો. છેલ્લા બે વર્ષથી એ.એમ.ટી.એસ.ના ફાજલ ડ્રાયવરોને આ જવાબદારી સોંપવામાં આવી છે.
મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મ્યુનિ.શાસકો દ્વારા માત્ર મોટી-મોટી વાતો જ કરવામાં આવી રહી છે. મ્યુનિ.હદમાં ૧૪ વર્ષ પહેલાં સમાવિષ્ટ વિસ્તારોમાં વિકાસના નામે શૂન્ય છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા વિસ્તારોના સમાવેશ કરવામાં આવે છે. પરંતુ તેના વિકાસ થતા નથી. વસ્તી અને વ્યાપ વધવાની સાથે નવા સાધનો અને વાહનો વસાવવા પણ જરૂરી છે. અંદાજે ૫૫૦ ચોરસ કીલોમીટર અને ૭૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૪ ડેડ બોડી વાહન છે તે બાબત શરમજનક બાબત છે.
ખરેખર તો વોર્ડ દીઠ એક એમ્બ્યુલન્સ વાન અને ડેડ બોડી વાન હોવા જરૂરી છે. નાગરિકોને રોડ, પાણી, ગટર અને લાઈટની સુવિધા પણ શાસકો આપી શક્યા નથી. તેમજ છેલ્લા ૦૬ વર્ષથી નવી ડેડ બોડી વાનની ખરીદી પણ કરી નથી. તેમ છતાં સ્માર્ટસીટીના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે તે શરમજનક બાબત છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.