અમદાવાદમાં ૭૫૦૦ સુપર સ્પ્રેડરના ટેસ્ટ થયાઃ ૩૦ પોઝીટીવ જાહેર
અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક મહિના ના વિરામ બાદ વધુ એક વખત સુપર સ્પ્રેડર ની ચકાસણી કરવામાં શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા મે મહિનામાં સુપર સ્પ્રેડરની શારીરિક તપાસ કરી સાત દિવસ માટે હેલ્થકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.જેને ૪૦ દિવસ બાદ રીન્યુ કરવા માટે કવાયત શરૂ થઈ ચર. જેમાં દુકાનદારોના એન્ટીજન ટેસ્ટ પણ થઈ રહયા છે સાથે સાથે સુરત અને વડોદરા તરફથી આવતા પ્રવાસીના અસલાલી નાકા પર રેપીડ ટેસ્ટ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જયારે એક્સપ્રેસ હાઇવે પર ત્રણ દિવસથી રેપીડ ટેસ્ટ થઈ રહયા છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે ગત મે મહિનામાં કરિયાના, શાકભાજી તેમજ ડેરીના માલિકોની શારીરિક તપાસ કરી હેલ્થકાર્ડ આપવામાં આવ્યા હતા.જેની મુદત માત્ર સાત દિવસ હતી. પરંતુ અગમ્ય કારણોસર મ્યુનિસિપલ કોર્પોરેશને સાત દિવસ બાદ ફરીથી તપાસ અને કાર્ડ રીન્યુ કર્યા નહતા. હવે , સફાળા જાગેલા તંત્રએ લગભગ ૪૦ દિવસ બાદ ૮ જુલાઈથી સુપર સ્પ્રેડર ની ફરીથી તપાસ કરવાની શરૂઆત કરી છે.
જેમાં કરિયાના, શાકભાજી,ડેરી પાર્લર ઉપરાંત પાણીપુરી વિક્રેતા, પાન-તમાકુના દુકાનદારો, હેર કટિંગ સલૂન તેમજ ફરસાણના વેપારીઓની પણ આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.. તેમજ શંકાસ્પદ લાગતા લોકના કોરોના માટે એન્ટીજન ટેસ્ટ પણ થઈ રહ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનનાસૂત્રોએ જણાવ્યા મુજબ મે મહિનાની સરખામણીમાં પોઝિટિવ સુપર સ્પ્રેડરની સંખ્યા ઘણી જ ઓછી છે. ૮ થી ૧૨ જુલાઈ સુધી કુલ ૭૫૦૦ જેટલા સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી માત્ર ૩૫ સુપર સ્પ્રેડર પોઝીટીવ હોવાની વિગત બહાર આવી છે.
સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે અમદાવાદના પ્રવેશદ્વાર અસલાલી પાસે ચેક પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સોમવાર સાંજે ૫ વાગ્યા સુધી વડોદરા અને સુરત તરફથી આવતા ૧૩૮ લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.જે પૈકી માત્ર એક જ પોઝિટિવ કેસ મળી આવ્યો છે. ગત શુક્રવાર અને શનિવારે એક્સપ્રેસ વે પર ૧૦૦૦ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૪૦ પોઝિટિવ કેસ મળ્યા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં કોરોના ના વધી રહેલા વ્યાપ માટે એક સમયે સુપર સ્પ્રેડરને પણ મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું.બહેરામપુરા ની એક જ ચાલીમાંથી શાકભાજીના વેપાર સાથે સંકળાયેલા ૭૦ લોકો કોરોના ની ઝપટ માં આવ્યા હતા. ત્યારબાદ ચાંદખેડા માં ડેરી પાર્લર ના માલિક નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ૮૦૦ લોકો ને ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યા હતા.
સુપર સ્પ્રેડર ના કારણે વધતા સંક્રમણ ને રોકવા માટે મનપા ઘ્વારા સાવચેતી ના પગલા લેવામાં આવ્યા હતા. મે મહિનામાં ૩૩૫૦૦ સુપર સ્પ્રેડરની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૧૨૫૦૦ સુપર સ્પ્રેડર શંકાસ્પદ લાગતા કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા જેમાંથી ૭૦૦ સુપર સ્ટેટસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા.