Western Times News

Gujarati News

અમદાવાદમાં ૮૨૯ લોકો તંત્રની ‘નજરકેદ’માં

ઉસ્માનપુરાની વિદ્યાનગર સોસાયટીના વિભાગ-૩નાં પાંચ ઘરના ૧૭ નાગરિક પણ નજરકેદ થયા હતા.

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે કોવિડ ગાઇડલાઇનના પાલન માટેના પ્રયાસો હાથ ધરાયા છે. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ એમ થ્રી ‘ટી’ સુત્ર મુજબ કોરોનાના દર્દીને ઓળખીને તેમની સારવાર પર ભાર મુકાઇ રહ્યો છે.

કોમર્શિયલ એકમો ખાતે મહત્તમ ચેકિંગની કામગીરી હાથ ધરી કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરતા એકમો સામે પણ હવે કડક પગલા લેવાનું તોળાઇ રહ્યું છે. તાજેતરમાં મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ કોરોના સામે લડત આપતા જે વિસ્તારમાં તેના કેસ વધુ નોંધાય તેને માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરવાની સંબંધિત વિભાગને કડક સૂચના આપી છે.

મ્યુનિ. કમિશનરની આ તાકીદના પગલે હવે વધુ ને વધુ શહેરીજનો તંત્રની નજરકેદ હેઠળ આવી રહ્યા છે, જે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા માટે સારી બાબત છે. ગઇકાલની સ્થિતિએ અમદાવાદના કુલ ૮૨૯ નાગરિકો નજરકેદ હતા. જે રીતે કોરોના ફેલાઇ રહ્યો છે તે જાેતા વધુ ને વધુ નાગરિકોના હરવા-ફરવા પર નિયંત્રણ મુકાતા જશે તે હવે સત્તાધીશોનું આક્રમક વલણ જાેતા સ્પષ્ટ બન્યું છે.

ગઇકાલે અમદાવાદમાં અત્યાર સુધીના સૌથી વધુ એવા ૨૬૯ કેસ મ્યુનિ. તંત્રના ચોપડે નોંધાયા હતા. કોરોનાના મહદંશે કેસ પશ્ચિમ અમદાવાદના હોઇ સત્તાવાળાઓએ આ વિસ્તારમાં જ માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયાનો દંડૂકો ફટકાર્યો છે. એક જ દિવસે ૨૧ વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરાતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

જેમાં સાયન્સ સિટીના ૭૫ ઘરના ૨૬૨ નાગરિકો, મકરબાના જલદીપ આઇકોનના ૨૮ ઘરનાં ૧૧૮ નાગરિકો મળીને કુલ ૧૬૪ ઘરના ૬૦૫ નાગરિકો એકઝાટકે માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયામાં મુકાઇ ગયા હતા. હવે આ તમામ નાગરિકો ૧૪ દિવસ સુધી તંત્રની નિગરાનીમાં રહેશે.

હોમ ક્વોરન્ટાઇનના આ ૧૪ દિવસમાં ઘરની બહાર પહેરાની જેમ હરી-ફરી નહીં શકે અને જાે તેમ કરશે તો મ્યુનિ. તંત્ર તેમની સામે પોલીસ ફરિયાદ કરશે. અમદાવાદમાં મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા ગત તા.૨૩ ડિસેમ્બરથી માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા અમલમાં મુકાયા છે.

તે દિવસે ચાંદલોડિયાના આઇસીબી આઇસલેન્ડના ચાર ઘરના ૧૩ નાગરિકો અને ચાંદખેડાની દિવ્ય જીવન સોસાયટીના ચાર ઘરના ૧૫ નાગરિકો મળીને કુલ આઠ ઘરના કુલ ૨૮ નાગરિકો કોરોનાની આ થર્ડ વેવમાં માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં આવ્યા હતા.

તા.૨૪ ડિસેમ્બરે ઉસ્માનપુરાની વિદ્યાનગર સોસાયટીના વિભાગ-૩નાં પાંચ ઘરના ૧૭ નાગરિક પણ નજરકેદ થયા હતા. તા.૨૫ ડિસેમ્બરે નાતાલની રજા હોઇ તંત્રે તા.૨૬ ડિસેમ્બરે ફરી માઇક્રો કન્ટેન્મેન્ટનું શસ્ત્ર સજાવ્યું હતું. તે દિવસે થલતેજના અર્હમ બંગલોઝના ત્રણ બંગલાના કુલ ૧૨ નાગરિકો તંત્રની ઝપટમાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.