અમદાવાદમાં ૯૦ હજાર ફેરિયાના સર્વે માટે એજન્સીની નિમણૂંકઃ
ચૂંટણી પહેલાં ફેરિયાઓને રાજી કરવા તંત્ર આતુર -સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાનને અમલમાં મૂકવાની દિશામાં ચક્રો ગતિમાનં
(એજન્સી) અમદાવાદ, મ્યુનિ. તંત્ર દ્વારા શેરી ફેરિયાઓ માટે સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાન તૈયાર કરાયો છે. ગત મે મહિનામાં તંત્રના સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાનને સ્ટેન્ડિંગ કમિટી તેમજ મ્યુનિ. સામાન્ય સભાએ લીલી ઝંડી આપી છે. હવે તેના અમલીકરણની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે એટલે ટૂંક સમયમાં શેરી ફેરિયાઓનો સર્વે હાથ ધરાશે.
આમ તો સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી વર્ષોજૂની છે. કેન્દ્ર સરકારે છેક વર્ષ ર૦૦૪-૦પમાં તેનો દેશવ્યાપી અમલ કરવાની સૂચના આપી હતી. તે સમયે મ્યુનિ. સત્તાવાળાઓએ પણ કેન્દ્રની પોલિસીને લીલીઝંડી આપી હતી અને તેને લગતો ડ્રાફટ પણ તૈયાર કરાયો હતો, જાેકે એક અથવા બીજા કારણસર આ પોલિસી અમલમાં મૂકાઈ ન હતી.
ત્યાર બાદ વર્ષ ર૦૧૪માં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અમદાવાદમાં પુનઃ અમલમાં મુકાઈ હતી. તે વખતથી તંત્ર દ્વારા શહેરમાં ૬ર,૧૦૦ શેરી ફેરિયાઓના ઓળખકાર્ડ તૈયાર કરાયા હતા.
ત્યારબાદ ૪૪,૩ર૭ શેરી ફેરિયાઓને સ્થળ પર ઓળખકાર્ડ અપાયા હતા, જયારે ૧૦,૮૮૧ શેરી ફેરિયાઓને વેન્ડિંગ સર્ટિફિકેટ આપ્યા હતા. મ્યુનિ. સત્તાવાળાઓએ ઓળખકાર્ડ ધરાવતા ફેરિયાઓ માટે વિભિન્ન રોડ પર રંગીન પટ્ટા ફાળવીને તેમના લારી-ગલ્લા માટે જગ્યા ફાળવી હતી.
રોડ પર ટ્રાફિકજામને અટકાવવા માટે અમુક સ્થળેથી ફેરિયાઓને ખસેડીને પાસેના મ્યુનિ. પ્લોટમાં પણ જગ્યા ફાળવાઈ હતી, જાેકે થોડા સમય બાદ ફેરિયાઓ પ્લોટ છોડીને તેમની રોડ પરની જૂની જગ્યાએ આવી ગયા હતા જે રોડ પર રંગીન પટ્ટા પાડીને અલગ જગ્યા ફેરિયાઓને ફાળવાઈ હતી. તે રંગીન પટ્ટા પણ ભૂંસાઈ જવાથી તંત્રના પ્રયાસો પર પાણી ફરી વળ્યું હતું.
મ્યુનિ. તંત્ર દ્વારા વર્ષ ર૦૧૯માં સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલનો આ પ્રયાસ કરાયો હતો, જે ભલે નિષ્ફળ નીવડયો હતો પણ તે વખતે સર્વે કરનારી એજન્સીને રૂ.૮૦ લાખ જેટલી માતબર રકમ ચૂકવાઈ હતી. પ્રતિ ફેરિયાદીઠ રૂ.૧૩૦ ચૂકવાયા હોઈ મ્યુનિ. તિજાેરીને સ્ટ્રીટ વેન્ડર પોલિસીના ફલોપ શોથી લાખો રૂપિયાનો ફટકો પડયો હતો.
હવે મ્યુનિ. સત્તાધીશોએ નવેસરથી સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલીકરણ માટે પ્રયાસ આરંભ્યા છે. શહેરની કુલ વસ્તીના અઢી ટકા લોકોનો સર્વે કરવાનો થાય છે, જે મુજબ એક લાખથી વધુ ફેરિયાઓનો સર્વે કરવાનો થાય, પરંતુ સત્તાધીશો ૯૦ હજાર શેરી ફેરિયાઓનો સર્વે કરશે.
આ નવો સર્વે કરનારી એજન્સીને પ્રતિ વેન્ડર રૂ.૯પ વત્તા જીએસટી ચુકવાશે એટલે લગભગ રૂ. એક કરોડનો ખર્ચ સર્વે પાછળ થવાનો છે. સર્વેમાં જે તે વિસ્તારના શેરી ફેરિયાઓ સ્વમાનભેર લારી-ગલ્લા ઉભા રાખીને તેમનો રોટલો રળી શકે તે માટે તેમના વિસ્તારના રોડ પર કે પછી મ્યુનિ. પ્લોટમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાશે.
સ્વાભાવિકપણે વિધાનસભા ચૂંટણી ડિસેમ્બરમાં આવી રહી હોઈ મ્યુનિ. તંત્ર શેરી ફેરિયાઓના મોટા વર્ગને સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાનને મલમાં મૂકીને ખુશ કરવા માગે છે, જેના કારણે નવેસરથી ફેરિયાઓની ગણતરી કરવાની તેમજ તેમને રોજગાર માટે નિશ્ચિત જગ્યા ફાળવવાની દિશામાં હિલચાલ આરંભાઈ છે.