Western Times News

Gujarati News

અમદાવાદીઓ ડાયાબિટીસની દવાઓ પાછળ મહિને 150 કરોડ ખર્ચે છે

શહેરીજનો ડાયાબિટીસની સારવાર પાછળ વ્યક્તિદીઠ દર મહિને સરેરાશ રૂ. 1,500 જેટલો ખર્ચ કરે છે

અમદાવાદ, નવેમ્બર 13, 2019 – ગળ્યું ખાવાના શોખીન અમદાવાદીઓ દર મહિને ડાયાબિટીસની દવાઓ પાછળ લગભગ રૂ. 150 કરોડ ખર્ચે છે. શહેરમાં ડાયાબિટીસનો દરેક દર્દી દર મહિને ડાયાબિટીસની દવાઓ અને ટેસ્ટ સહિતની સારવાર માટે આશરે રૂ. 1,500નો ખર્ચ કરે છે, એમ ગુજરાતની જાણીતી જેનેરિક મેડિસીન રિટેલ ચેઈન મેડકાર્ટ ફાર્મસીના તાજેતરના અભ્યાસમાં બહાર આવ્યું છે.

આ અભ્યાસ અંગે મેડકાર્ટ ફાર્મસી પ્રાઈવેટ લિમિટેડના ફાઉન્ડર ડિરેક્ટર શ્રી અંકુર અગ્રવાલે જણાવ્યું હતું કે “ગુજરાતમાં 40 વર્ષથી ઉપરના 36 ટકા લોકો ડાયાબિટીસના દર્દીઓ છે અને એટલે જ સ્વાભાવિક રીતે ગુજરાત ‘ડાયાબિટીસ કેપિટલ’ કહેવાય છે.

વિવિધ ઈન્ડસ્ટ્રી રિપોર્ટ્સ અને અમારા બિઝનેસમાંથી મળતી જાણકારીઓના આધાર પરથી અમે કહી શકીએ કે ગુજરાતમાં ડાયાબિટીસની દવાઓનું બજાર વાર્ષિક રૂ. 3,600 કરોડ જેટલું છે

જે પૈકી અમદાવાદનો હિસ્સો 50 ટકા એટલે કે રૂ. 1,800 કરોડ જેટલો છે. અમદાવાદમાં ડાયાબિટીસનો દરેક દર્દી મહિને ડાયાબિટીસની સારવાર પાછળ રૂ. 1,500 જેટલો ખર્ચ કરે છે. આ આંકડા ચિંતાજનક છે અને શહેરીજનોની બિનતંદુરસ્ત જીવનશૈલીમાં પરિવર્તન લાવવા માટે મોટાપાયે જાગૃતતા અભિયાન લાવવાની જરૂર છે.”

ઉલ્લેખનીય છે કે લાન્સેટના અભ્યાસ મુજબ ગુજરાતમાં લગભગ 30 લાખ લોકો ડાયાબિટીસથી પીડાય છે. રાજ્યમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 1990થી 2016માં 89 ટકા જેટલી વધી છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના મતે ભારતમાં 2017માં ડાયાબિટીસના 7,29,46,400 ડાયાબિટીસના કેસો નોંધાયેલા હતા. આના માટે બિનતંદુરસ્ત જીવનશૈલી, કસરતનો અભાવ, અનિંદ્રા અને કામના લાંબા કલાકો જેવા કારણો જવાબદાર છે.

અમદાવાદ સ્થિત વડુમથક ધરાવતી મેડકાર્ટ સમગ્ર રાજ્યમાં 31 ફાર્મસી સ્ટોર્સ ધરાવે છે જે પૈકી 19 કંપની હસ્તકના જ્યારે બાકીના ફ્રેન્ચાઈઝી મોડલ આધારિત છે. સપ્ટેમ્બર 2014માં બે યુવાન ઉદ્યોગસાહસિકો દ્વારા શરૂ કરાયેલી આ કંપની દર વર્ષે રૂ. 20 કરોડનું ટર્નઓવર કરે છે. કંપનીના કુલ વેચાણ પૈકી 90 ટકા જેટલું વેચાણ ડાયાબિટીસ અને હૃદયરોગને લગતી સમસ્યાઓ જેવા ગંભીર રોગોની દવાઓનું થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.