અમદાવાદી વાહન ચાલકો નિયમો પાળવા કરતા તોડવામાં પાવરધાં

ર૦રપના પ્રથમ બે મહિનામાં છ લાખ કરતાં વધુ લોકોએ ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કર્યો હોવાનાં અહેવાલ, ટ્રાફિક પોલીસની નિયમ તોડનારા સામે લાલ આંખ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોણ જાણે વાહનચાલકોને શું થયું છે કે તેઓ નિયમો પાળવા કરતા નિયમો તોડવામાં વધારે પાવરધા સાબિત થઈ રહયા છે, સાવ એવુ નથી કે તમામ વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી રહયા છે પણ એક મોટો વર્ગ છે કે જે નિયમો તોડે છે તેને નિયમો તોડવામાં આનંદ આવે છે બેફામ રીતે વાહન હાંકવા, રેડ સિગ્નલ તોડવા, ગમે તે રીતે વાહન નીકાળવુ, હેલ્મેટ પહેરવી નહી ટૂંકમાં, જેટલા નિયમો બન્યા છે તેને તોડવામાં વાહનચાલકોને મજા આવે છે પાછા દંડ ભરવાન સમય આવે ત્યારે છટકી જાય. અગર તો બહાના બતાવે.
આજકાલ તો ફોન હોય એટલે ઉંચી પોસ્ટ પર બેઠેલા વ્યક્તિને ફોન કરીને ટ્રાફીક પોલીસને વાત કરવા જણાવે. જોકે પોલીસ પણ આવા તત્વોને પાઠ ભણાવી દંડ વસૂલ કરે છે. અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરતા નજરે પડશે તેમાં માત્ર દ્વિચક્રી વાહન ચાલકો નહી પણ કેટલેક અંશે ફોર વ્હીલર્સ વાહનોવાળા પણ જવાબદાર છે ખાસ તો ઓવર સ્પીડ ડ્રાઈવીંગ મોટો મુદ્દો બની રહયો છે ઓવર સ્પીડને કારણે અકસ્માતો સર્જાય છે. મોટા અકસ્માતોને છોડીએ તો નાના અકસ્માતો તો રોજના કેટલા સર્જાતા હશે તે વિચારવા જેવું છે. અમદાવાદમાં હાઈવેને અડીને આવેલા વિસ્તારોમાં અકસ્માતનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. જશોદા સર્કલ, હાથીજણ સર્કલ રોડ, નિકોલ, નારોલ, અસલાલી, વસ્ત્રાલ આ તમામ વિસ્તારો લગભગ નેશનલ હાઈવે- સ્ટેટ હાઈવેને અડીને આવેલા છે.
હાઈવેવાળા માર્ગ પર સ્પીડ બ્રેકર વધારે પ્રમાણમાં બનાવી શકાતા નથી એટલે બેફામ ગતિથી વાહનો હંકારવામાં આવે છે પૂછવાવાળુ કોણ છે ? પોલીસ બધે કઈ રીતે પહોંચી શકે ? થોડી જવાબદારી વાહનચાલકોની હોય છે તે પછી દ્વિચક્રી વાહનવાળા હોય, ઓટો રીક્ષાવાળા કે પછી ગાડી વાળા હોય ટ્રકવાળાનું તો પૂછવુ જ શું ? જોકે અમુક વખત ટ્રકવાળા કે બસવાળાનો વાંક હોતો નથી એવુ પણ જોવા મળતુ હોય છે હકીકત એ છે કે વાહનચાલકોને નીતિ-નિયમ પાળવા નથી અને અનેક પ્રકારના વાંધા- વચકા કરીને છટકવુ છે.
ર૦રપના પ્રથમ બે મહિનામાં અમદાવાદ શહેરમાં ટ્રાફિકના સંદર્ભમાં અલગ-અલગ નિયમો તોડવા બદલ ૬ લાખ કરતા વધુ વાહનચાલકોને પોલીસે દંડ ફટકાર્યો છે આ આંકડો એક વેબસાઈટ પર આવ્યો છે. દંડ પેટે સારી એવી રકમ વસૂલાઈ છે. અહીંયા મૂળ વાત એ છે કે નિયમોનું પાલન નહી કરવું એ શું આપણી આદત બની ગઈ છે ? હેલ્મેટ પહેરવી નહી, ઓવર સ્પીડ વાહન ચલાવવુ, રેસીંગ કરવી આ તમામ નિયમોના ભંગ બદલ મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો છે.
સવારે ઓફિસના સમયે અને સાંજે છૂટવાના સમયે અમદાવાદીઓને જાણે કે ઝડપથી ઘરે જવા શૂરાતન ચડે છે તેમાં નિયમો ભૂલાઈ જાય છે સહેજ ભીડ થાય કે હોર્નના અવાજથી ઘોંઘાટ કરી મૂકે છે ડાબી-જમણી જયાં જગ્યા મળે ત્યાંથી વાહન નીકાળવાની હોડ લાગે છે એસ.ટી (ગીતા મંદિર) પાસે તો કઈ દિશામાંથી કઈ ગલી તરફ વાહન જશે તેવુ વિચારવુ મુશ્કેલ થઈ જાય છે વાહનો નીકાળવાની રેસ લાગે છે. આ માત્ર એસ.ટી. વિસ્તારની વાત નથી. અમદાવાદમાં મોટાભાગના સ્થળોએ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે.
ટ્રાફિકના નિયમો તોડીને આગળ વધવુ એ લક્ષ્ય સાથે જાણે કે વાહનચાલકો આગળ વધી જાય છે. કોર્પોરેશનવાળા રોડ પર તો રાત્રીના સમયે ટ્રાફિકજામ થઈ જાય છે તેમાંય નિયમો નહી પાળનારા વાહનચાલકોને કારણે કેવી સ્થિતિ ઉદ્ભવે છે તેતો દ્રશ્ય જોવો ત્યારે ખબર પડે. ટ્રાફિક પોલીસ અમદાવાદના વાહનચાલકોને એમ અમથા દંડ નથી ફટકારતા. અપવાદ કિસ્સા હોઈ શકે છે પરંતુ ટ્રાફિકના નિયમો તોડવામાં અમદાવાદના વાહનચાલકો અપવાદ નથી.