Western Times News

Gujarati News

અમદાવાદ અને મહેસાણા વચ્ચે રેલવે મુસાફરીના સમયમાં ઘટાડો થશે

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મહેસાણા ગેજ પરિવર્તન લાઇનના સંપૂર્ણ ખંડનો પ્રારંભ -નવા ગેજ પરિવર્તન ખંડ દ્વારા હાલની સિંગલ બ્રોડગેજ લાઇન માટે વધારાની લાઇનની  સુવિધા ફાળવાઈ 

અમદાવાદ દિલ્હી રૂટ પરની ગીચતા ઘટાડવામાં મદદરુપ થશે.

વ્યસ્ત અમદાવાદ-દિલ્હી રૂટ પર માલવાહક ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેનાથી આ મહત્વપૂર્ણ ખંડ ડિકંજેસ્ટ થશે -અમદાવાદ-મહેસાણા સેક્શનનું ગેજ પરિવર્તન યુનિ-ગેજ રેલ સિસ્ટમ નીતિ માટે પ્રેરણારૂપ છે

પશ્ચિમ રેલવે ગુજરાતમાં રેલવેના માળખાકિય વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહેલ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં યાત્રીઓની સુવિધાઓમાં વધારો કરવા સાથે નવી લાઈનો, ગેજ પરિવર્તન, ઈલેક્ટ્રિફિકેશન, ડબલીંગ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યાં  છે.

આ દિશામાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ ડિવિઝન પર જગુદણ-મહેસાણા વચ્ચે ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ કર્યું છે અને ટ્રાફિક માટે એક  નવી ડબલ લાઇન ખુલ્લી મુકવામાં આવી છે.ગત વર્ષે માનનીય પ્રધાનમંત્રીએ આ ખંડનો સાબરમતી-જગુદાન વિભાગ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.

જગુદણ-મહેસાણા ખંડના ડબલિંગનું કામ પૂર્ણ થતાં સંપૂર્ણ અમદાવાદ-મહેસાણા ગેજ પરિવર્તન પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે અને હવે તેને શરુ કરી દેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, જગુદણ-મહેસાણા વચ્ચેની નવી ડબલ લાઇનને 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રાફિક માટે ખુલ્લી કરવામાં આવી છે.

નવા ખંડમાં 1 મોટો પુલ, 16 નાના પુલ અને  ગ્રેડ સેપરેટર તરીકે 8 અંડરપાસ છે. ઉલ્લેખનીય છે કે આ ખંડ લેવલ ક્રોસિંગથી સંપૂર્ણપણે મુક્ત છે, જેના કારણે રેલ યાત્રીઓની સાથે-સાથે રોડ યુઝર્સની સુરક્ષામાં વધારો થયો છે. આ પ્રોજેક્ટ 620 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે.

પ્રોજેક્ટના કાર્ય વિશે વિગતવાર માહિતી આપતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે મહેસાણા રેલવે સ્ટેશન પર 644 મીટર લંબાઈનું વધારાનું પ્લેટફોર્મ પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેના કારણે લાઈનોની સંખ્યા 5 થી વધીને 14 થઈ ગઈ છે. વિરમગામથી પાટણ વચ્ચે ડેડિકેટેડ નવી મુખ્ય લાઇન જે અગાઉ મહેસાણા યાર્ડમાં ન હતી,

તે હવે આ કાર્યમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, પ્લેટફોર્મ સાથે સમર્પિત 2 લૂપ લાઇન, 15 મીટર પહોળા RCC પ્લેટફોર્મ સાથે 750 મીટર લંબાઇની માલ સાઈડિંગ પણ ઉમેરવામાં આવી છે.બુકિંગ ઓફિસની સાથે સાથે એક નવું સ્ટેશન બિલ્ડીંગ, શૌચાલય સાથે કોમન વેઇટિંગ હોલ, કોનકોર્સ, પીઆરએસ કાર્યરત કરવામાં આવ્યું છે.

10.84 કિમી લાંબી નવી ડાઉન મેઇન લાઇન, 2 કિમી લાંબી નવી વિરમગામ-પાટણ નવી મેઇન લાઇન, 760 મીટર લાંબી બે નવી ગુડ્સ સાઇડિંગ અને 375 મીટર લાંબી ટ્રેક મશીન સાઇડિંગ અને એક ટાવર વેગન સાઇડિંગ પણ ઉમેરવામાં આવ્યું છે.

તદુપરાંત, મહેસાણા રેલવે સ્ટેશન પર એક નવું ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ (EI) સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલ છે, જેમાં 7 દિશામાંથી આવનારી લાઈનો છે. અપગ્રેડ કરેલ મહેસાણા યાર્ડ હવે 380 રૂટ સાથેના ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગથી સજ્જ છે. 85 ઇંચના વીડીયુ મોનિટરની મદદથી ગિયરનું સંચાલન કરવામાં આવે છે અને તેમાં અત્યાધુનિક ફાયર એલાર્મ, એક્સલ કાઉન્ટર, બ્લોક અને બ્લોક સેક્શન મોનિટરિંગ માટે એક્સલ કાઉન્ટર પણ ફાળવવામાં આવેલ છે.

શ્રી ઠાકુરે વધુ જણાવ્યું હતું કે અમદાવાદની સર્વેક્ષણ અને બાંધકામ વિભાગની ટીમે અસરકારક આયોજન સાથે અને કોઈપણ સલામતી ચૂક વગર માત્ર 23 દિવસમાં મહેસાણાના યાર્ડ રિમોડેલિંગના વિશાળ કાર્યને સફળતાપૂર્વક પાર પાડ્યું છે.

યાર્ડ રિમોડેલિંગના કામમાં બંને છેડે 2000 મીટરની હાલની યાર્ડની મુખ્ય લાઈનોના રિએલાઈનમેન્ટ, 58 નવા ટર્નઆઉટ અને માત્ર યાર્ડમાં 8 કિમીનો ટ્રેક પાાથરીને ટ્રેક સ્ટ્રક્ચરને અપગ્રેડ કરીને લૂપને ડાઉન મેઈન લાઈનમાં રૂપાંતરિત કરવાનું એક જટિલ કાર્ય સામેલ હતું.

800 મીટરની નવી RTR લાઈન સાથે મહેસાણાથી ન્યુ ભાંડુ તરફ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFCCIL) ને ભારતીય રેલવે સાથે જોડવાનું કામ પણ પશ્ચિમ રેલવેની બાંધકામ ટીમ દ્વારા 8 ફેબ્રુઆરી 2023 થી 28 ફેબ્રુઆરી 2023 વચ્ચે ટ્રાફિક વર્કિંગ ઓર્ડર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં એન્જિનિયરિંગ, સિગ્નલિંગ અને ટેલિકોમ તથા ઇલેક્ટ્રિકલ (ટ્રેક્શન) સંયુક્ત રીતે સામેલ છે.

પ્રોજેક્ટના ફાયદા નીચે મુજબ છે.

·        આ મીટરગેજ લાઇનને અમદાવાદથી મહેસાણા વચ્ચે ભારતીય રેલવેની યુનિ ગેજ નીતિ હેઠળ બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે.

·        આ ગેજ પરિવર્તિત લાઇનથી અમદાવાદ અને મહેસાણા સેક્શન વચ્ચે વધારાની લાઇનની સુવિધા મળી છે જેના પરિણામે યાત્રીઓ માટે પ્રવાસના સમયમાં ઘટાડો થયો છે.

·        આ ખંડ અમદાવાદ અને દિલ્હી વચ્ચેના એક મહત્વપૂર્ણ બ્રૉડ ગેજ માર્ગનો હિસ્સો છે જે પશ્ચિમી દરિયાકિનારા પરના પોર્ટો સહિત પશ્ચિમ ભારતની સેવા કરે છે.

·        આ મહત્વપૂર્ણ ખંડની માલવાહક ક્ષમતામાં વધારો થશે, કારણ કે તે  મહેસાણા ખાતે DFCCILના પશ્ચિમિ ફ્રેટ કોરિડોર સાથે જોડાયેલ છે.

·        આ પ્રોજેક્ટ ટ્રેનોની અવરજવરને સરળ બનાવશે અને વ્યસ્ત અમદાવાદ દિલ્હી રૂટ પરની ગીચતા ઘટાડવામાં મદદરુપ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.