Western Times News

Gujarati News

અમદાવાદ અને વડોદરાની કુલ ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી: ૪૬,૪૦૦ EWS આવાસ માટે જમીન મળશે

પ્રતિકાત્મક

બાગબગીચા-રમતગમત મેદાન વગેરે માટે કુલ ૬૧.૫૨ હેક્ટર્સ અને જાહેર સુવિધા માટે ૫૨.૮૯ હેક્ટર્સ,  વેચાણ માટે ૧૧૧.૯૯ હેક્ટર્સ જમીન મળશે

મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે મુખ્ય મંત્રીશ્રીએ શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ અને વડોદરાની કુલ ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧ પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ, ૧ ફાઈનલ સ્કીમ ઉપરાંત ૪ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર કરી છે. પ્રીલીમનરી સ્કીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં ૨૬ (મકરબા) અને ફાઈનલ સ્કીમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં. ૩૭(દાણીલીમડા નોર્થ)નો સમાવેશ થાય છે

મુખ્યમંત્રીશ્રીએ વડોદરાની ચાર ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તદઅનુસાર, આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ (1) ટી.પી. સ્કીમ નં. ૨૭/બી(બીલ) (2) ટી.પી. સ્કીમ નં. ૨૭/સી(ચાવડ) (3) ટી.પી. સ્કીમ નં. ૨૪/બી(ભાયલી-ગોકુલપુરા-રાયપુરા) તથા (4) ટી.પી. સ્કીમ નં. ૪૨(કોયલી)નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૦૧ પ્રીલિમિનરી ટી.પી. સ્કીમ અને વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ૪ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ એમ કુલ પાંચ ટી.પી. સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે ૫૧.૮૪ હેક્ટર્સ જમીન,

બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે કુલ ૬૧.૫૨ હેક્ટર્સ જમીન ઉપરાંત જાહેર સુવિધા માટે ૫૨.૮૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ આશરે ૧૧૧.૯૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.  આ પાંચ સ્કીમમાં મળીને અંદાજે કુલ ૪૬,૪૦૦ ઈ.ડબ્લ્યુ.એસ. આવાસો બની શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.