Western Times News

Gujarati News

અમદાવાદ અને વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત  ૧૪,૫૮૯ આવાસ બનાવાયા

રાજ્યમાં વસતા દરેક નાગરિકને માથે છત હોય તેવી સંકલ્પના સાથે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ તળે રહેઠાણના આવાસોનું નિર્માણ કરી રહી છે, તેમાં મુખ્યમંત્રી આવાસ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ છે.

રાજ્યના શહેરોમાં વધતી વસતી અને મોંઘવારીના સમયમાં પોતીકુ ઘર હોય તેવી શહેરમાં વસતા નાગરિકોને ખેવના હોય છે.  મુખ્યમંત્રીશ્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં આવાસ બનાવવામાં આવે છે તે અંતર્ગત અમદાવાદ અને વડોદરા શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૪,૫૮૯ આવાસો  રૂ.૩૧૯.૭૬ કરોડના માતબર ખર્ચે નિર્માણ કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં શહેરી વિકાસ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજના માટે અમદાવાદમાં ૭૪,૬૪૫ અરજી અને વડોદરા શહેરમાં ૧૩૮૧૩ અરજી એમ મળી કુલ ૯૩,૦૮૭ અરજી મળી હતી.  આ અરજીઓમાંથી અમદાવાદમાં ૮,૫૧૨ અરજી અને વડોદરા શહેરમાં ૧૦,૪૦૮ અરજી મળી કુલ ૧૮,૪૦૮ અરજી મંજૂર કરવામાં આવી છે.  મંજૂર થયેલી અરજીઓ અન્વયે અમદાવાદમાં ૮,૫૪૨  આવાસ બનાવવામાં આવી રહ્યા છે. જેમાંથી ૩૬૪ આવાસનું નિર્માણ થઇ ચૂક્યું છે. જ્યારે વડોદરા શહેરમાં ૬,૦૪૭ આવાસ સંપર્ણપણે બનીને તૈયાર છે.

અમદાવાદમાં આવાસોના નિર્માણ માટે રૂ.૬૭.૯૩ કરોડ અને વડોદરા શહેરમાં રૂ.૨૫૨.૮૩ કરોડ એમ બન્ને મળી કુલ રૂ.૩૧૯.૭૬ કરોડના ખર્ચે ૧૪,૫૮૯ આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમ વિધાનસભામાં લેખિત જવાબમાં શહેરી વિકાસ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.